<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા કારણોસર બે મહિના માટે ઈન્ટરનેટ માટેની VPN સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ : નિયમ ભંગ બદલ કઠુઆ અને બિલ્લાવરમાં બે વ્યક્તિ સામે FIR નોંધાઈ

કિશ્તવાડના જિલ્લા મેજિસ્ટ્રેટ એ BNSS 2023ની કલમ 163 હેઠળ વ્યક્તિઓ, સંસ્થાઓ, સાયબર કાફે, વ્યવસાયો અને ISP માટે પ્રતિબંધ લાદ્યો : માત્ર સરકારી અધિકૃત VPNને મુક્તિ અપાઈ

જમ્મુ : જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા સુરક્ષાની ચિંતાઓ અને ઈન્ટરનેટ એન્ક્રિપ્ટેડ નેટવર્કના સંભવિત દુરુપયોગને ધ્યાનમાં રાખીને સમગ્ર કિશ્તવાડ જિલ્લામાં તમામ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક એટલે કે VPN સેવાઓ પર બે મહિના માટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, જિલ્લાવ્યાપી પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને વીપીએન સેવાઓનો ઉપયોગ કરવા બદલ જમ્મુ-કાશ્મીર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને બે એફઆઈઆર દાખલ કરી છે.

કિશ્તવાડના જિલ્લા મેજિસ્ટ્રેટ પંકજ કુમાર શર્માએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSS, 2023ની કલમ 163 હેઠળ આ પ્રતિબંધાત્મક આદેશ જારી કર્યો છે. સુરક્ષાના કારણોસર અને એન્ક્રિપ્ટેડ નેટવર્કનો દુરુપયોગ અટકાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. આ પ્રતિબંધ વ્યક્તિઓ, સંસ્થાઓ, સાયબર કાફે, વ્યવસાયો અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એટલે કે ISP સહિત તમામ પર લાગુ કરવામાં આવ્યો છે. જોકે, આ આદેશમાંથી માત્ર સરકાર દ્વારા અધિકૃત વીપીએનના ઉપયોગને જ મુક્તિ આપવામાં આવી છે.

વહીવટી તંત્રના આ પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરવા બદલ જમ્મુ-કાશ્મીર પોલીસે સુરજીત કુમાર અને નીરજ કુમાર સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જિલ્લાવ્યાપી પ્રતિબંધ હોવા છતાં વીપીએન સેવાઓનો ઉપયોગ કરવા બદલ આ બંને સામે કઠુઆ અને બિલ્લાવર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસની કલમ 223 હેઠળ એફઆઈઆર દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

VPN એટલે શું?
VPNનું પૂરું નામ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક છે. તે એક એવી ડિજિટલ ટેકનોલોજી છે જે યુઝરના ઈન્ટરનેટ કનેક્શનને એન્ક્રિપ્ટ એટલે કે સુરક્ષિત કરે છે અને યુઝરનું સાચું આઈપી એડ્રેસ તથા લોકેશન છુપાવીને અન્ય સર્વર મારફતે ઈન્ટરનેટ ચલાવવાની સુવિધા આપે છે. સામાન્ય રીતે ડેટા સુરક્ષા અને પ્રાઈવસી માટે તેનો ઉપયોગ થાય છે, પરંતુ તેનાથી યુઝરની ઓળખ અને લોકેશન ટ્રેસ કરવું મુશ્કેલ બનતું હોવાથી અસામાજિક તત્વો કે સુરક્ષા માટે જોખમ ઊભું કરનારા તત્વો દ્વારા તેનો દુરુપયોગ થવાની આશંકા રહેતી હોય છે.

(11:21 PM IST)