તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
મધ્ય-પૂર્વમાં તણાવનો જ્વાળામુખી: અમેરિકી ડ્રોન તોડી પડાયું, હોર્મૂઝમાં ઓઈલ ટેન્કરો પર હુમલાથી આંતરરાષ્ટ્રીય જળસીમા અસુરક્ષિત
ઈરાન અને અમેરિકા વચ્ચે વણસી રહેલી સ્થિતિ વચ્ચે યુદ્ધના ભણકારા: સતત સાતમી રાત્રે યુએસના બોમ્બમારાથી ઈરાન ધ્રૂજી ઉઠ્યું, વળતા પ્રહારની ચીમકી સાથે સમગ્ર વિસ્તારમાં યુદ્ધની આશંકા

વોશિંગ્ટન/તેહરાન: મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે અત્યંત ગંભીર વળાંક લીધો છે. બંને દેશો વચ્ચેની ખેંચતાણ હવે સીધા સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ રહી હોય તેવું જણાય છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા લેવામાં આવેલી સૈન્ય કાર્યવાહીના ભાગરૂપે સતત સાતમી રાત્રે ઈરાનના વિવિધ વિસ્તારોમાં અમેરિકાએ ભીષણ બોમ્બમારો કર્યો છે. આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની સૈન્ય ક્ષમતાઓને નબળી પાડવાનો હોવાનું મનાઈ રહ્યું છે, અને આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્પષ્ટ નિર્દેશો હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.
સૈન્ય સંઘર્ષની વચ્ચે ઈરાને એક મોટો દાવો કરતા જણાવ્યું છે કે, બુશેહર ઉપર પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકાના અત્યાધુનિક MQ-9 રીપર ડ્રોનને ઈરાની સેનાએ આકાશમાં જ તબાહ કરી દીધું છે. અંદાજે 3.4 કરોડ ડોલરની કિંમત ધરાવતું આ ડ્રોન ઈરાની કાર્યવાહીમાં સંપૂર્ણપણે નષ્ટ થયું હોવાનું ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જોકે, અમેરિકા તરફથી આ ડ્રોન પડ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી.
બીજી તરફ, હોર્મૂઝના વ્યૂહાત્મક જળમાર્ગમાં પણ સ્થિતિ વણસી છે. ઈરાનનો દાવો છે કે અહીં બે ઓઈલ ટેન્કરો પર હુમલો થયો છે, જેના કારણે જહાજો આગની લપેટમાં આવી ગયા છે. આ ઘટનાને પગલે હોર્મૂઝનો માર્ગ અત્યંત અસુરક્ષિત બની ગયો છે. આ સાથે જ, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે, જેમાં જોર્ડનનો મુવાફ્ફક સાલ્ટી એર બેઝ મુખ્ય હોવાનું જણાવાઈ રહ્યું છે.
ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહસિન રઝાઈએ અમેરિકાને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકી હુમલાઓ તાત્કાલિક બંધ નહીં થાય, તો ઈરાન પોતાની સંપૂર્ણ સૈન્ય તાકાત સાથે વળતો પ્રહાર કરશે. તેમણે એવી પણ ચીમકી આપી છે કે જે દેશો અમેરિકાને તેમની જમીન કે સૈન્ય મથકો વાપરવાની મંજૂરી આપશે, ત્યાં કાર્યરત અમેરિકન કંપનીઓ પણ નિશાન બની શકે છે.
હાલમાં ઈરાનના યઝ્દ, ફાર્સ અને ખુઝેસ્તાન પ્રાંતના અહવાઝ શહેર સહિતના અનેક વિસ્તારોમાં વિસ્ફોટો થવાને કારણે ભારે દહેશતનો માહોલ છે. યુદ્ધની આ પરિસ્થિતિએ સમગ્ર વિશ્વની શાંતિ જોખમમાં મૂકી દીધી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
