<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ઉગતા સૂર્યના દેશમાં મસ્જિદ સામે વિરોધનો સૂર: જાપાનના ફુજીસાવામાં હજારો રહેવાસીઓ રસ્તા પર ઉતર્યા, સંસ્કૃતિ બચાવવા માટે 'આરપાર'ની જંગ!

શિન્ટો મંદિરો કરતા મોટી મસ્જિદ બનાવવાનો વિરોધ: ૧૫ વર્ષમાં મુસ્લિમ વસ્તીમાં ૪ ગણો વધારો અને દફનવિધિની જગ્યાના અભાવે જાપાનીઓમાં ફાળ ફાટી, સોશિયલ મીડિયા પર 'ગ્લોબલ' ચર્ચા છેડાઈ

ફુજીસાવા: સામાન્ય રીતે શાંત અને સંયમિત ગણાતું જાપાન અત્યારે એક નવા સામાજિક સંઘર્ષના ઉંબરે આવીને ઊભું છે. જાપાનના દરિયાકાંઠાના શહેર ફુજીસાવામાં પ્રસ્તાવિત પ્રથમ મસ્જિદના નિર્માણ સામે હજારો સ્થાનિક લોકોએ મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો પ્લેકાર્ડ સાથે મસ્જિદના બાંધકામનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. જાપાનીઓનો આરોપ છે કે આ મસ્જિદનું કદ તેમના પવિત્ર શિન્ટો મંદિરો કરતા પણ મોટું રાખવામાં આવ્યું છે, જેને તેઓ પોતાની પ્રાચીન પરંપરાઓ પર 'ઉશ્કેરણીજનક હુમલો' ગણાવી રહ્યા છે.
 
આંકડામાં ઉછાળો: જાપાનમાં મુસ્લિમોની વધતી સંખ્યા
જાપાનમાં મુસ્લિમ વસ્તીમાં છેલ્લા દોઢ દાયકામાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે.
•    વસ્તી ગણિત: ૨૦૧૦માં જાપાનમાં મુસ્લિમોની સંખ્યા અંદાજે ૧,૧૦,૦૦૦ હતી, જે ૨૦૨૪ના અંત સુધીમાં વધીને ૪,૨૦,૦૦૦ એ પહોંચી ગઈ છે.
•    ઇન્ડોનેશિયન શ્રમિકોનો પ્રભાવ: જાપાનમાં શ્રમિકોની અછતને કારણે સરકાર ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ બહુમતી દેશોમાંથી કામદારોને પ્રોત્સાહન આપી રહી છે, જેના કારણે મસ્જિદોની સંખ્યા ૨૦૦૮માં ૫૦ હતી જે ૨૦૨૫ સુધીમાં વધીને ૧૬૪ થઈ ગઈ છે.
 
મુખ્ય વિવાદ: 'અગ્નિસંસ્કાર' વિરુદ્ધ 'દફનવિધિ'
વિરોધનું એક સૌથી મોટું કારણ અંતિમ સંસ્કારની પદ્ધતિ છે. જાપાનમાં ૯૯ ટકાથી વધુ લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. બીજી તરફ, ઇસ્લામિક પરંપરામાં દફનવિધિ ફરજિયાત છે.
૧. જમીનની અછત: જાપાનમાં દફનવિધિ માટે ખૂબ જ ઓછી જગ્યાઓ ઉપલબ્ધ છે.
૨. પર્યાવરણીય ચિંતા: સ્થાનિક લોકો ભૂગર્ભજળ દૂષિત થવાના ડરથી મુસ્લિમ કબ્રસ્તાનોનો સખત વિરોધ કરી રહ્યા છે. 'હિજી' જેવા પ્રદેશોમાં આ મુદ્દે રાજકીય પક્ષો પણ મેદાનમાં આવ્યા છે.
 
વૈશ્વિક પ્રતિક્રિયા અને 'જાપાન ફર્સ્ટ'ની નીતિ
ફુજીસાવાના આ વિરોધે દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર એક તરફ લોકો જાપાનીઓની સંસ્કૃતિ બચાવવાની લડતને ટેકો આપી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો તેને અસહિષ્ણુતા ગણાવી રહ્યા છે. ઇન્ટરનેટ પર યુઝર્સ લખી રહ્યા છે કે, "જાપાને લંડન કે અન્ય યુરોપિયન શહેરો જેવી સ્થિતિ ટાળવી જોઈએ."
ટોક્યોમાં આવેલી સાને તાકાચીની નવી સરકાર અત્યારે 'સાંસ્કૃતિક સંરક્ષણ' પર ભાર મૂકી રહી છે. જાપાનના બંધારણ મુજબ ધાર્મિક સ્વતંત્રતા હોવા છતાં, 'વા' એટલે કે સામાજિક સંવાદિતા જોખમાતી હોવાની દલીલ સાથે સ્થાનિકો મસ્જિદ નિર્માણ રોકવા મક્કમ છે. હવે જોવાનું એ રહેશે કે ઘટતા કાર્યબળ અને સાંસ્કૃતિક ઓળખ વચ્ચે જાપાન કેવી રીતે સંતુલન જાળવે છે.

(8:55 PM IST)