News of Saturday, 16th May 2026
ટેલિકોમ માર્કેટમાં ટકી રહેવા વોડાફોન આઈડિયાનો માસ્ટર પ્લાન: બોર્ડે ₹4,730 કરોડનું નવું ભંડોળ એકત્ર કરવા આપી મંજૂરી, આદિત્ય બિરલા ગ્રુપ ખરીદશે વોરંટ
સિંગાપોરની સૂર્યજા ઇન્વેસ્ટમેન્ટ્સ કંપની પ્રતિ વોરંટ ₹11 ના ભાવે કરશે મોટું રોકાણ; ચોથા ક્વાર્ટરમાં ખોટમાંથી નફામાં આવી કંપની, આગામી 12 મહિનામાં AGR બાકી રકમ ચૂકવવાનો દાવો

મુંબઈ: ભારતીય ટેલિકોમ સેક્ટરમાં જીઓ અને એરટેલની આકરી સ્પર્ધા વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહેલી દેવાથી ડૂબેલી કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea) એ તેની નાણાકીય સ્થિતિને લોખંડી બનાવવા માટે શનિવારે એક બહુ મોટો નિર્ણય લીધો છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરબજારને આપેલી સત્તાવાર માહિતી અનુસાર, માર્કેટમાંથી વોરંટ જારી કરીને ₹૪,૭૩૦ કરોડનું જંગી ભંડોળ એકત્ર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મોટું રોકાણ આદિત્ય બિરલા ગ્રુપની સિંગાપોર સ્થિત પ્રમોટર કંપની સૂર્યજા ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ કંપનીએ માર્ચ ક્વાર્ટરના (Q4) નાણાકીય પરિણામો પણ જાહેર કર્યા છે, જે રોકાણકારો માટે રાહત લાવનારા છે.
શેર દીઠ ₹૧૧ ની કિંમતે ૪૩૦ કરોડ વોરંટ જારી કરાશે
સ્ટોક એક્સચેન્જને સુપરત કરાયેલા સત્તાવાર દસ્તાવેજો અનુસાર, વોડાફોન આઈડિયા આ ભંડોળ એકત્ર કરવા માટે વધુમાં વધુ ૪૩૦ કરોડ વોરંટ જારી કરશે. આ દરેક સિંગલ વોરંટને ભવિષ્યમાં એક ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરી શકાશે. કંપનીના બોર્ડે આ વોરંટની ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ વોરંટ ₹૧૧ નક્કી કરી છે. આગામી ૧૧ જૂનના રોજ કંપનીએ આ દરખાસ્ત પર શેરધારકોની અંતિમ મંજૂરી મેળવવા માટે એક એક્સ્ટ્રા-ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) બોલાવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સૂર્યજા ઇન્વેસ્ટમેન્ટ્સનો વોડાફોન આઈડિયામાં હિસ્સો અંદાજે ૩.૮૨% જેટલો વધી જશે.
૨૫ ટકા રકમ એડવાન્સ, નેટવર્ક વિસ્તરણ પાછળ ખર્ચાશે મૂડી
આ મેગા ઇશ્યૂની શરતો પણ ઘણી રસપ્રદ છે. સૂર્યજા ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા કુલ રોકાણની રકમના ૨૫% નાણાં વોરંટ સબ્સ્ક્રિપ્શનના સમયે જ અગાઉથી (એડવાન્સ) ચૂકવી દેવામાં આવશે, જ્યારે બાકીના ૭૫% નાણાં વોરંટને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કર્યા પછી ચૂકવવાના રહેશે. આ વોરંટનો ઉપયોગ ફાળવણીની તારીખથી લઈને આગામી ૧૮ મહિનાની અંદર એક અથવા વધુ તબક્કામાં કરી શકાશે. કંપની આ મોટી મૂડીનો ઉપયોગ પોતાની રોકડ પ્રવાહની તરલતા (Liquidity) મજબૂત કરવા તેમજ દેશભરમાં 5G નેટવર્કના વિસ્તરણ અને માળખાકીય સુવિધાઓ પાછળ કરશે.
સુધરેલા પ્રદર્શનથી વધ્યો વિશ્વાસ, ખોટમાંથી નફા તરફ પ્રયાણ
વોડાફોન આઈડિયા માટે સૌથી સારા સમાચાર એ છે કે કંપની ચોથા ક્વાર્ટરમાં (Q4) ભારે નુકસાનમાંથી બહાર આવીને પ્રોફિટ (નફા) તરફ આગળ વધી છે. કંપનીની આવક સ્થિર રહી છે અને પ્રતિ યુઝર સરેરાશ આવક (ARPU) માં પણ નોંધપાત્ર સુધારો થયો છે. એજીઆર (AGR) કેસમાં કોર્ટના તાજેતરના પોઝિટિવ વલણને કારણે કંપનીનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. કંપનીએ દાવો કર્યો છે કે, આગામી ૧૨ મહિનામાં તે પોતાના ધિરાણકર્તાઓની તમામ જવાબદારીઓ, સ્પેક્ટ્રમ ચુકવણીઓ અને એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે આંતરિક ઓપરેટિંગ સિસ્ટમમાંથી જ પૂરતો રોકડ પ્રવાહ જનરેટ કરી લેશે. વધુમાં, નવું ભંડોળ મેળવવા માટે કેટલીક મોટી સરકારી અને ખાનગી બેંકો સાથે પણ કંપનીની હાઈ-લેવલ ચર્ચા ચાલી રહી છે.
દેવાનો પહાડ: માર્ચ ૨૦૨૭ સુધીમાં ચૂકવવા પડશે કરોડો રૂપિયા: > નાણાકીય આંકડાઓ પર નજર કરીએ તો, ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં કંપની પર બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓનું કુલ ₹૪,૧૨૭ કરોડનું દેવું બોલાઈ રહ્યું છે, જેમાંથી ₹૭૨૬ કરોડ માર્ચ ૨૦૨૭ સુધીમાં ચૂકવવાના થાય છે. આ ઉપરાંત, કંપની પર અગાઉની સ્પેક્ટ્રમ બાકી રકમ પેટે ₹૧.૨૭ લાખ કરોડ અને એજીઆર (AGR) બાકી રકમ પેટે ₹૨૫,૨૫૪ કરોડનું દેવું બાકી છે. માર્ચ ૨૦૨૭ ના અંત સુધીમાં કંપનીએ કુલ ₹૭,૦૭૬ કરોડની લોન ચૂકવવાની હોવાથી, આ ₹૪,૭૩૦ કરોડનું નવું ભંડોળ કંપની માટે સંજીવની સમાન સાબિત થશે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
