<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ન્યુઝીલેન્ડમાં વિઝા કૌભાંડનો આતંક: ભારતીય વિદ્યાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ સાવધાન! ઇમિગ્રેશન અધિકારી બની ખંખેરી રહ્યા છે લાખો રૂપિયા

ન્યુઝીલેન્ડના જ મોબાઈલ નંબર પરથી આવે છે ફેક કોલ, વિઝા કેન્સલ કરવાની ધમકી આપી બેંક વિગતો માંગતી ઠગ ટોળકી સક્રિય; ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) એ જારી કરી ગંભીર ચેતવણી

ઓકલેન્ડ : ન્યુઝીલેન્ડમાં અભ્યાસ માટે ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ત્યાં સ્થાયી થયેલા સ્થળાંતર કરનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ન્યુઝીલેન્ડમાં વિઝા કૌભાંડના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેતરપિંડી કરનારાઓ ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) ના અધિકારીઓ હોવાનો ઢોંગ કરી માસૂમ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે.
 
કેવી રીતે આચરવામાં આવે છે છેતરપિંડી?
ઠગ ટોળકી ન્યુઝીલેન્ડના જ લોકલ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને લોકોને ફોન કરે છે. કોલ દરમિયાન તેઓ એવો દાવો કરે છે કે તમારા વિઝામાં કોઈ ગંભીર ખામી છે અથવા વિઝા તાત્કાલિક અસરથી રદ થવા જઈ રહ્યા છે. આ સાંભળીને ગભરાઈ ગયેલા વિદ્યાર્થીઓ કે મુસાફરો પાસે તેઓ 'કાનૂની કાર્યવાહી' થી બચવાના નામે ચુકવણી અથવા વ્યક્તિગત માહિતી જેવી કે પાસપોર્ટ નંબર અને બેંક વિગતોની માંગણી કરે છે. ઘણા કિસ્સાઓમાં કોલ કરનાર વ્યક્તિ લોકોને "1" દબાવવા અથવા ઓપરેટર સાથે વાત કરવા દબાણ કરે છે.
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) નો સ્પષ્ટ ખુલાસો
આ વધતા જતા કૌભાંડને પગલે ઇમિગ્રેશન વિભાગે સત્તાવાર એડવાઈઝરી જારી કરી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, "ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ ક્યારેય પણ ચુકવણી મેળવવા માટે ફોન દ્વારા તમારો સંપર્ક કરશે નહીં." વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ફોન પર પૈસા કે સંવેદનશીલ માહિતી માંગે તો તરત જ કોલ કાપી નાખવો અને કોઈપણ પ્રકારની વિગત શેર કરવી નહીં.
 
વિઝા ધારકોએ શું કરવું જોઈએ?
જો તમને પણ આવો કોઈ શંકાસ્પદ કોલ પ્રાપ્ત થાય, તો ગભરાવાને બદલે નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
1.    કોલ તરત કાપી નાખવો: સાવચેતી એ જ સલામતી છે, શંકાસ્પદ કોલ પર વાત કરવાનું ટાળો.
2.    સત્તાવાર સંપર્ક: જો તમને તમારા વિઝા સ્ટેટસ અંગે ચિંતા હોય, તો સીધા જ INZ સેવા કેન્દ્રનો સંપર્ક કરી ખાતરી કરો.
3.    રિપોર્ટિંગ: આવા કૌભાંડોની જાણ CERT NZ ની ઓનલાઈન સિસ્ટમ દ્વારા અથવા નેટસેફ (NetSafe) દ્વારા કરવી જોઈએ.
વૈશ્વિક સ્તરે વિઝા સંબંધિત છેતરપિંડી વધી રહી છે ત્યારે ન્યુઝીલેન્ડમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓ અને કામદારો માટે પણ આ એક મોટી ચેતવણી છે. કોઈપણ અજાણી વ્યક્તિને તમારા દસ્તાવેજો કે બેંક ખાતાની માહિતી આપવી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

(7:42 PM IST)