તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
નોઈડામાં સતત બીજા દિવસે હિંસાઃ શ્રમિકોનું તાંડવ અને પોલીસ પર પથ્થરમારો!
તોડફોડ અને લોહીલુહાણ થયેલા પોલીસકર્મીઓ વચ્ચે આખું શહેર છાવણીમાં ફેરવાયું : સેક્ટર ૧૨૧ અને ૮૦માં હિંસાની જ્વાળા ભભૂકીઃ ફેક્ટરીઓના ગેટ પર મજૂરોનો હંગામો

નોઈડા, તા.૧૪: નોઈડાના ઔદ્યોગિક વિસ્તારોમાં મંગળવારની સવાર શાંતિને બદલે ચીસ અને પથ્થરમારાના અવાજોથી ગુંજી ઉઠી હતી. સેક્ટર ૧૨૧ અને ૮૦માં હિંસાની એવી તસવીરો સામે આવી જેણે સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા છે. પોતાના હકની માંગ કરી રહેલા કામદારોનો રોષ એટલો ફાટી નીકળ્યો કે રસ્તા પર ઉભેલી બસો અને ખાનગી વાહનો નિશાનો બન્યા. કાચના ટુકડાઓ અને હવામાં ઉડતા પથ્થરો વચ્ચે પોલીસ લાચાર જણાતી હતી, પરંતુ પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ટોળાએ સીધો ખાખી વર્દી પર જ હુમલો કરી દીધો. આ ઘર્ષણમાં અનેક પોલીસ અધિકારીઓ લોહીલુહાણ થયા છે, જે બાદ સમગ્ર નોઈડામાં કલમ ૧૪૪ જેવો માહોલ સર્જાયો છે.
બીજી તરફ, સેક્ટર ૬૩ની ફેક્ટરીઓ પાસેનો નજારો ભયાનક હતો. મેનેજમેન્ટ દ્વારા ૧૫ તારીખ સુધી રજા જાહેર કરાતા મજૂરોમાં એવો ફાળ પડ્યો કે જો હાજરી નહીં પુરાય તો આખા મહિનાની કમાણી ધોવાઈ જશે. આ ઁપગાર કાપઁના ડરે હજારોની મેદનીને ફેક્ટરીના દરવાજે લાવીને ઉભી કરી દીધી. જોકે, આ ઘટનામાં એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ફેક્ટરી માલિકોએ આ હિંસાને ઁસુનિયોજિત ટૂલકીટઁનો હિસ્સો ગણાવી. મેનેજમેન્ટનો દાવો છે કે આ કોઈ સામાન્ય વિરોધ નથી, પરંતુ બહારના તત્વો દ્વારા શ્રમિકોને ઉશ્કેરીને નોઈડાની અર્થવ્યવસ્થાને ઠપ કરવાનું એક ઊંડું ષડયંત્ર છે.
અત્યારે નોઈડાના સેક્ટર ૬ સહિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો ‘ફ્લેગ માર્ચ' કરી રહ્યો છે. બૂટના અવાજ અને સાયરનના ગુંજારવ વચ્ચે સામાન્ય નાગરિકોમાં ફફડાટ છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. પીએસી (PAC) ની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે અને ડ્રોન દ્વારા ભીડ પર નજર રાખવામાં આવી રહી છે. શું આ વિરોધ શાંત થશે કે પછી આ આક્રોશ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરશે? તે તો આવનારો સમય જ કહેશે, પણ હાલમાં નોઈડા લોખંડી બંદોબસ્ત હેઠળ શ્વાસ લઈ રહ્યું છે
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
