<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી: ચાસદ ગામમાં 15 ઘરો સળગાવી દેવાયા, ગોળીબારમાં 1નું મોત અને અનેક ઘાયલ

કામજોંગ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓનો હુમલો: લોકો જંગલો અને લશ્કરી છાવણીઓમાં આશરો લેવા મજબૂર

ઇમ્ફાલ:  મણિપુરમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે ફરી એકવાર અશાંતિ ફાટી નીકળી છે. મણિપુરના કામજોંગ જિલ્લા હેઠળ આવેલા ચાસદ પહાડી ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓએ શનિવારે મોડી રાત્રે અને વહેલી સવારે અચાનક હુમલો કરીને ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ હુમલા દરમિયાન આતંકવાદીઓએ કુકી સમુદાયના ઓછામાં ઓછા 15 ઘરોને આગ ચાંપી દીધી હતી. હિંસા અને ગોળીબારની આ ઘટનામાં એક કુકી નાગરિકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અચાનક થયેલા આ હુમલાને કારણે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોને પોતાના ઘર છોડીને ભાગવાની ફરજ પડી હતી અને તેમણે જંગલો તથા નજીકની સૈન્ય છાવણીઓમાં આશરો લીધો હતો.

બીજી એક ઘટનામાં, કામજોંગ જિલ્લા મુખ્યાલયના એક ગામ પર હરીફ સશસ્ત્ર જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલા અને ક્રોસ ફાયરિંગ દરમિયાન તાંગખુલ નાગા સમુદાયના ત્રણ નાગરિકોને પણ ગોળી વાગી હતી અને તેઓ ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થિતિ કાબૂમાં લેવા માટે આસામ રાઇફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કામજોંગ પોલીસની સંયુક્ત ટુકડીને સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે.


ચાસદ ગામમાં ઘટેલી હિંસાની ઘટના અંગે મણિપુરના નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેને ભારે દુઃખ વ્યક્ત કરીને આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે નિર્દોષ કુકી નાગરિકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલ ગામના નેતાઓ તથા વિસ્થાપિત થયેલા પીડિત પરિવારો પ્રત્યે ઊંડી ચિંતા દર્શાવી હતી. નાયબ મુખ્યમંત્રીએ નિર્દોષ લોકોના ઘરોને સળગાવી દેવાની ઘટનાને માનવતા વિરુદ્ધનો અસહ્ય ગુનો ગણાવ્યો હતો. હાલ સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજીને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(7:01 PM IST)