<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા વિનોદ કાંબલી, લડખડાતી હાલત અને બે મિત્રોના સહારે સ્ટેડિયમમાં પ્રવેશતો વીડિયો વાયરલ, ફેન્સ થયા ભાવુક

સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને ભારતના પૂર્વ ક્રિકેટરની તબિયતને લઈ ફરી ચિંતા, પત્નીએ સ્વાસ્થ્ય સારું હોવાનો દાવો કર્યો, મિત્રો વોટ્સએપ ગ્રુપ દ્વારા સારવાર માટે ફંડ એકઠું કરી રહ્યાના અહેવાલ

મુંબઈ તા.૨૫ :  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિનોદ કાંબલી બુધવારે સાંજે મુંબઈ-હૈદરાબાદ વચ્ચેની IPL મેચ માણવા વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. જોકે તેમની લથડતી તબિયત અને બે મિત્રોના સહારે સ્ટેડિયમમાં પ્રવેશ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સ ભાવુક થઈ ગયા છે અને તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

 

વાયરલ થયેલા વીડિયોમાં 53 વર્ષીય વિનોદ કાંબલી બે મિત્રોના ખભાના સહારે ધીમે-ધીમે ચાલીને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ કરતા જોવા મળે છે. આવી હાલતમાં પણ કાંબલીના ચહેરા પર સ્મિત હતું અને તે ચાહકોને મળીને વાતો કરતો જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તેને જોઈને ‘કાંબલી કાંબલી’ના નારા લગાવ્યા હતા. પોતાના હીરોની આવી હાલત જોઈ ઘણા ફેન્સની આંખો ભીની થઈ ગઈ હતી.

 

થોડા સમય પહેલા જ અહેવાલો આવ્યા હતા કે વિનોદ કાંબલીના મગજમાં ક્લોટ થઈ ગયો છે જેના કારણે તેની યાદશક્તિ નબળી પડી ગઈ છે અને તેને બોલવામાં પણ તકલીફ પડે છે. જોકે તેની પત્ની એન્ડ્રીયાએ આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે ભગવાનની કૃપાથી વિનોદ બિલકુલ ઠીક છે. કાંબલીના ભાઈ વીરેન્દ્રએ પણ જણાવ્યું હતું કે 10 દિવસના રિહેબ બાદ તેના તમામ રિપોર્ટ સારા આવ્યા છે. મગજ સ્કેન અને યૂરિન ટેસ્ટમાં કોઈ મોટી સમસ્યા સામે આવી નથી. જોકે તે હજુ ચાલી શકતો ન હોવાથી તેને ફિઝીયોથેરાપીની સલાહ આપવામાં આવી છે. તેની જીભ પણ હજુ લથડે છે, પરંતુ તે ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે.

 

અમુક મીડિયા અહેવાલો મુજબ કાંબલીના નજીકના મિત્રોએ તેની સારવાર અને સારસંભાળ માટે વોટ્સએપ ગ્રુપ બનાવી ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું છે. કાંબલી છેલ્લા કેટલાક સમયથી આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને એક સમયે ભારતીય ક્રિકેટના ‘બ્રાઇટેસ્ટ ટેલેન્ટ’ ગણાતા કાંબલીની આવી હાલત જોઈ ક્રિકેટ જગત પણ સ્તબ્ધ છે.

 

ઉલ્લેખનીય છે કે વિનોદ કાંબલી ભારત માટે માત્ર 17 ટેસ્ટ મેચ રમ્યો છે, પરંતુ તેના નામે એવા રેકોર્ડ છે જે સચિન તેંડુલકર પણ તોડી શક્યો નથી. 21 વર્ષ અને 35 દિવસની ઉંમરે ઈંગ્લેન્ડ સામે 224 રનની ઈનિંગ રમીને તે ભારત તરફથી સૌથી નાની વયે બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. સચિને 26 વર્ષની ઉંમરે બેવડી સદી ફટકારી હતી. ફેન્સ હાલ સોશિયલ મીડિયા પર ‘ગેટ વેલ સૂન ચેમ્પ’ લખીને કાંબલીના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

(4:51 PM IST)