News of Saturday, 30th May 2026
એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને મોટો ઝટકો: સેમિફાઇનલમાં હાર સાથે જ ટીમમાં સ્થાન મેળવવાની આશા પર ફરી વળ્યું પાણી
દ્રઢ નિશ્ચય સાથે મેટ પર પરત ફરેલી વિનેશનો સંઘર્ષ: હાર છતાં 'હું પાછી આવીશ' ના સંદેશ સાથે પ્રેક્ષકોના દિલ જીત્યા, આખો દિવસ રહ્યો વિવાદોથી ઘેરાયેલો

નવી દિલ્હી : ભારતની સ્ટાર કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા વિનેશ ફોગાટ માટે શનિવારનો દિવસ ખૂબ જ ઉતાર-ચઢાવભર્યો રહ્યો. એશિયન ગેમ્સ 2026 માટેની ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સિલેક્શન ટ્રાયલ્સમાં વિનેશ સેમિફાઇનલમાં મીનાક્ષી ગોયત સામે 4-6 ના સ્કોરથી પરાજિત થઈ હતી. આ હાર સાથે જ એશિયન ગેમ્સમાં ભાગ લેવાનું તેમનું સ્વપ્ન હાલ પૂરતું અધૂરું રહી ગયું છે. મેટ પરથી બહાર નીકળતી વખતે વિનેશે WFI પ્રમુખ સંજય સિંહ સામે ઈશારો કરીને આત્મવિશ્વાસ સાથે કહ્યું, "માઈ ફિર આઉગી (હું પાછી આવીશ)," જેને હાજર પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો.
સંઘર્ષ અને વિવાદો વચ્ચેની સફર
દિવસની શરૂઆત વિનેશ માટે આશાસ્પદ હતી. પેરિસ ઓલિમ્પિક્સ બાદ લાંબા સમય પછી મેટ પર પરત ફરેલી વિનેશે રાઉન્ડ ઓફ 16 માં જ્યોતિને 7-1 થી પરાજિત કરી પોતાની લય મેળવી હતી. જોકે, ક્વાર્ટર ફાઇનલની મેચ નિશુ સામે ખૂબ જ નાટકીય રહી હતી. 0-5 થી પાછળ રહ્યા બાદ વિનેશે જે રીતે વાપસી કરી તે તેમની લડાયક વૃત્તિનું પ્રતીક હતી. આ મેચ દરમિયાન અમ્પાયરિંગના નિર્ણયો અને રિવ્યુ સિસ્ટમની ટેકનિકલ ખામીઓને લઈને ભારે હોબાળો મચ્યો હતો. વિનેશના પતિ સોમવીર રાઠી અને WFI પ્રમુખ સંજય સિંહ વચ્ચે થયેલી બોલાચાલીએ ટ્રાયલ્સના વાતાવરણને તંગ બનાવી દીધું હતું.
નિયમોનો વિવાદ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ
ટ્રાયલ્સના થોડા સમય પહેલા જ વિનેશ અને WFI વચ્ચે વજન વિભાગને લઈને વિવાદ થયો હતો. ફેડરેશને તેમને માત્ર 50 કિગ્રા વર્ગમાં ભાગ લેવાની સૂચના આપી હતી, જેનો વિનેશે સખત વિરોધ કરીને 53 કિગ્રામાં ભાગ લેવાનો આગ્રહ રાખ્યો હતો. અંતે તેમને મંજૂરી તો મળી, પરંતુ સેમિફાઇનલમાં મળેલી હારથી તેમનું અભિયાન સમાપ્ત થયું. આ તરફ, વિનેશને હરાવનાર મીનાક્ષી હવે ફાઇનલમાં એશિયન ગેમ્સની ટિકિટ મેળવવા માટે પ્રયત્નશીલ છે. દિવસભરના વિવાદો અને તકનીકી ખામીઓ વચ્ચે, વિનેશનો હાર બાદનો પ્રતિભાવ અને તેમની લડાયક ભાવના રમતપ્રેમીઓ માટે ચર્ચાનો વિષય બની છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
