<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

વિજયવાડા બસ સ્ટેન્ડ પર શંકાસ્પદ બેગ મળતા સન્નાટો! ૪૬ જિલેટિન સ્ટિક્સ અને ૫૦ ડેટોનેટર સાથેનો જથ્થો જપ્ત

બસમાં મુસાફરી દરમિયાન ભૂલથી બેગ બદલાઈ જતાં મોટો ઘટસ્ફોટ; પોલીસ ચોકીને જાણ કરાતાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો

વિજયવાડા, તા.૧૫: આંધ્રપ્રદેશના અત્યંત વ્યસ્ત એવા વિજયવાડાના પંડિત નેહરુ બસ સ્ટેશન પર મંગળવારે તે સમયે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો, જ્યારે એક લાવારિસ બેગમાંથી ૪૬ જીવંત જિલેટિન સ્ટિક્સ અને ૫૦ ડેટોનેટર મળી આવ્યા હતા. મુસાફરોથી ધમધમતા આ બસ ટર્મિનલ પર વિસ્ફોટકોથી ભરેલી બેગ મળી આવતાં જ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. કૃષ્ણા લંકા પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તમામ વિસ્ફોટક સામગ્રીને જપ્ત કરી સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

 

આ સનસનાટીભર્યા મામલામાં તપાસ દરમિયાન એક રસપ્રદ અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના વતની આસિફ અલી નામના મુસાફરે નરસરાઓપેટથી વિજયવાડા સુધીની બસમાં મુસાફરી કરી હતી. વિજયવાડા પહોંચ્યા બાદ આસિફને જાણ થઈ કે બસમાં તેની પોતાની સામાનની બેગ અન્ય કોઈ અજાણ્યા મુસાફરની બેગ સાથે ભૂલથી બદલાઈ ગઈ હતી. તેણે અજાણી બેગ ખોલીને જોતાં જ તેમાં ડેટોનેટર અને જિલેટિન સ્ટિક્સ જેવો વિસ્ફોટક સામગ્રીનો જથ્થો જોઈને તેના હોશ ઊડી ગયા હતા. આસિફે વિલંબ કર્યા વિના બસ સ્ટેન્ડ પર તૈનાત પોલીસ ચોકીને આ અંગે જાણ કરી હતી.

 

પ્રાથમિક તપાસ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘાતક વિસ્ફોટકોનો ઉપયોગ ક્વોરી એટલે કે પથ્થરની ખાણોમાં બ્લાસ્ટિંગ કરવા માટે થવાનો હતો. કૃષ્ણા લંકા પોલીસ મથકના સર્કલ ઇન્સ્પેક્ટર મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે આ કેસમાં ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટકોથી ભરેલી આ બેગ અસલમાં કોની હતી, તે બસ સ્ટેશન સુધી કેવી રીતે પહોંચી અને તેનો વાસ્તવિક હેતુ શું હતો તે શોધવા માટે પોલીસ અત્યારે બસ સ્ટેન્ડ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ખંગાળી રહી છે.

(4:47 PM IST)