<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

વિજય માલ્‍યાનો દાવો પોકળઃ બેંકોએ બોમ્‍બે હાઈકોર્ટમાં કહ્યું કે હજુ રૂ.૮,૭૫૨ કરોડ બાકી

પૈસા પરત કરવાથી મની લોન્‍ડરિંગનો ફોજદારી કેસ આપમેળે સમાપ્ત થતો નથીઃ EDનું કડક વલણ

નવી દિલ્‍હી, તા.૩: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્‍યા દ્વારા બેંકોની લોન સંપૂર્ણપણે ચૂકવી દીધા હોવાના અને મૂળ રકમ કરતા વધુ નાણાં વસૂલ્‍યા હોવાના દાવા સામે સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના નેતળત્‍વ હેઠળના બેંકોના કન્‍સોર્ટિયમે બોમ્‍બે હાઈકોર્ટમાં સત્તાવાર સોગંદનામું દાખલ કરી કડાકાભેર વિરોધ નોંધાવ્‍યો છે. બેંકોના જણાવ્‍યા અનુસાર, માલ્‍યા પાસેથી હજુ પણ ૩૧ ઓગસ્‍ટ, ૨૦૨૬ સુધી આશરે રૂ.૮,૭૫૨ કરોડ ચૂકવવાના બાકી છે.

વિજય માલ્‍યાએ ૨૦૨૦ માં બોમ્‍બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે બેંકોએ મૂળ સંમત લોન કરતા વધુ રકમ વસૂલ કરી લીધી છે, જેથી તેમની સામેની ફોજદારી કાર્યવાહી બંધ થવી જોઈએ. જાન્‍યુઆરી ૨૦૧૯ માં માલ્‍યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્‍યો હતો.

ED અને CBI દ્વારા બેંક છેતરપિંડી અને મની લોન્‍ડરિંગ સંબંધિત તપાસ ચાલી રહી છે. EDએ બોમ્‍બે હાઈકોર્ટમાં જણાવ્‍યું છે કે કન્‍સોર્ટિયમને આશરે રૂ.૧૪,૧૩૨ કરોડની સંપત્તિ પરત કરવામાં આવી છે, પરંતુ માત્ર સંપત્તિની પુનઃસ્‍થાપના અથવા લોનની વસૂલાતથી મની લોન્‍ડરિંગનો ફોજદારી કેસ આપમેળે બંધ થતો નથી. કાનૂની પ્રક્રિયા મુજબ ફોજદારી આરોપોનો અલગથી નિર્ણય લેવો જરૂરી છે.

આ સમગ્ર વિવાદ અંગે બોમ્‍બે હાઈકોર્ટમાં આગામી સુનાવણી ૧૩ ઓક્‍ટોબર, ૨૦૨૬ ના રોજ હાથ ધરવામાં આવશે, જ્‍યાં કોર્ટના અંતિમ નિર્ણય પર સૌની નજર રહેશે.

(3:14 PM IST)