તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
અંધશ્રદ્ધા અને ધતિંગ કરનારાઓ સામે ૩૭ વર્ષથી સતત જંગ લડતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કરી નિવૃત્તિની મોટી જાહેરાત : ૭૦ વર્ષ પૂર્ણ કર્યા બાદ ભૂવા ભારાડીઓ સામેની સીધી કાર્યવાહીઓ સમેટી લેવાશે અને સંસ્થા પણ બંધ કરી દેવાશે તેવી જાહેરાતથી સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા : જુઓ વિડીયો
દોરા ધાગા અને ચમત્કારના નામે લોકોને છેતરતા તત્વોના પર્દાફાશની સતત ભાગદોડ અને ધતિંગબાજો તરફથી મળતી ધમકીઓ વચ્ચે હાલ ૬૯માં વર્ષમાં ચાલી રહેલા જયંત પંડ્યા હજુ એક વર્ષ કામ કરીને નિવૃત્ત થશે : અત્યાર સુધીમાં ૨૮૪૫ ધુણતા અને સવારી આવવાના તૂત તેમજ ૧૨૮૮ ભૂવા મુંજાવર અને પાદરીઓના ધતિંગ બંધ કરાવ્યાનો દાવો

રાજકોટ: ગુજરાતભરમાં અંધશ્રદ્ધા, દોરા ધાગા, તંત્ર મંત્ર અને ચમત્કારના ભ્રામક દાવાઓ સામે પાછલા પોણા ચાર દાયકાથી મોરચો માંડીને બેઠેલી વિજ્ઞાન જાથા સંસ્થાના ચેરમેન જયંત પંડ્યાએ નિવૃત્તિ અંગે એક અત્યંત ચોંકાવનારું અને મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જયંત પંડ્યાએ પોતાની નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે તેઓ પોતાની ઉંમરના ૭૦ વર્ષ પૂર્ણ કર્યા બાદ દોરા ધાગા કરતા ભૂવાઓને પકડવાનું બંધ કરશે. આટલું જ નહીં, પરંતુ તેમણે પોતાની નિવૃત્તિ બાદ આ આખી સંસ્થા જ બંધ કરી દેવાનું મોટું નિવેદન આપતા રાજકોટ સહિત સમગ્ર રાજ્યના સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
જયંત પંડ્યાએ પોતાની નિવૃત્તિના કારણો અને સંસ્થા બંધ કરવા પાછળની વિગતો આપતા જણાવ્યું છે કે હાલમાં તેમનું ૬૯મું વર્ષ ચાલુ છે. તેઓ આગામી એક વર્ષ સુધી આ જ રીતે અંધશ્રદ્ધા સામેનું કામ ચાલુ રાખશે અને ત્યારબાદ ૭૦ વર્ષ પૂરા થતા જ આ પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લેશે. અંધશ્રદ્ધાના ધતિંગના પર્દાફાશ માટે થતી સતત ભાગદોડ અને તેના કારણે ઊભી થતી પરિસ્થિતિઓને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
**વિકટ પરિસ્થિતિઓમાં પણ હિંમતભેર કામ કર્યું, ધમકીઓથી ડરતો નથી:**
પાછલા ૩૭ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન ભૂવા ભારાડીઓને પકડતી વખતે જયંત પંડ્યાએ અનેકવાર અત્યંત વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે અને આ તમામ પડકારો વચ્ચે પણ તેમણે હિંમતભેર કામો કર્યા છે. અંધશ્રદ્ધાના આ ખેલ પાછળ સક્રિય તત્વોનો પર્દાફાશ કર્યા બાદ અથવા તો કોઈ ભૂવા વિશે નિવેદન આપ્યા બાદ જયંત પંડ્યાને સતત જાનથી મારી નાખવાની કે અન્ય પ્રકારની ધમકીઓ મળતી રહે છે. જોકે, આ બાબતે તેમણે સિંહગર્જના કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હું કોઈ પણ તત્વની ધમકીઓથી સહેજ પણ ડરતો નથી અને ડર્યા વગર જ આ કામ કર્યું છે.
**વિજ્ઞાન જાથાની કામગીરીના આંકડા સોશિયલ મીડિયા અને સમાજમાં વાયરલ:**
વિજ્ઞાન જાથા સંસ્થાએ અંધશ્રદ્ધા નિર્મૂલન ક્ષેત્રે કરેલી કામગીરીના આંકડા પણ આ નિવેદન સાથે સામે આવ્યા છે. સંસ્થાના દાવા મુજબ, વિજ્ઞાન જાથાએ અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૨૮૪૫ જેટલા ધુણતા અને સવારી આવવાના નાટકો તેમજ તૂત બંધ કરાવ્યા છે. આ ઉપરાંત, લોકમાનસ સાથે રમત રમતા અને ચમત્કારોના નામે છેતરપિંડી કરતા ૧૨૮૮ જેટલા ભૂવાઓ, મુંજાવરો અને પાદરીઓના ધતિંગનો પર્દાફાશ કરીને તેમની હાટડીઓ કાયમ માટે બંધ કરાવી દીધી છે.
**૩૭ વર્ષ જૂની સંસ્થા બંધ થવાના સંકેતથી ધતિંગબાજોમાં જલસાની સ્થિતિ સર્જાશે તેવી લોકચર્ચા:**
અંદાજે ૩૭ વર્ષથી અંધશ્રદ્ધા સામે સતત મેદાને રહેલી આ અગ્રણી સંસ્થાના ભવિષ્ય અને જયંત પંડ્યાના નિવૃત્તિના આ નિર્ણયથી ભારે લોકચર્ચા જાગી છે. સામાજિક ક્ષેત્રે એવો ગણગણાટ શરૂ થયો છે કે જો અંધશ્રદ્ધા સામે આટલી મજબૂતાઈથી લડતી સંસ્થા કાયમ માટે બંધ થઈ જશે, તો આગામી સમયમાં ધતિંગ કરતા અને ભોળી જનતાને છેતરતા ભૂવા ભારાડીઓને મોકળું મેદાન મળી જશે અને તેમને જલસા પડી જશે.
તાજેતરમાં પણ જયંત પંડ્યા અંધશ્રદ્ધા અને ભ્રામક દાવાઓ સામેના પોતાના કડક અભિગમને કારણે સતત મીડિયાની હેડલાઈન્સમાં રહ્યા હતા. તેઓ હંમેશાં કહેતા આવ્યા છે કે તેઓ લોકોની શ્રદ્ધા કે આસ્થાના ક્યારેય વિરોધી નથી, પરંતુ આસ્થાના ઓઠા હેઠળ આચરાતી ખોટી પ્રવૃત્તિઓ, ચમત્કારના દાવા અને અંધશ્રદ્ધાના નામે થતી લોકોની આર્થિક તેમજ માનસિક છેતરપિંડી સામે તેમનો વિરોધ છે. ત્યારે આ નિવૃત્તિની જાહેરાત બાદ હવે આગામી એક વર્ષ દરમિયાન વિજ્ઞાન જાથાના કેવા કાર્યક્રમો રહે છે અને સંસ્થાના બંધ થવા મુદ્દે આગળ શું વળાંક આવે છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
