તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
તામિલનાડુમાં વિજયનો વિજયાદશમી જેવો પ્રારંભ : TVK અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના સંકેતો, સુપરસ્ટાર વિજયના પિતાએ સત્તામાં ભાગીદારીના આપેલા સંકેતથી દક્ષિણના રાજકારણમાં ભારે ગરમાવો
ચૂંટણી પરિણામોમાં મોટો ઉલટફેર : મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાની બેઠક પર પાછળ : વિજયની પાર્ટી 107 બેઠકો પર લીડ સાથે રાજ્યની સૌથી મોટી શક્તિ બનવા તરફ અગ્રેસર : એડપ્પાદી પલાનીસ્વામી એડપ્પાદી બેઠક પર 61,000 મતોથી આગળ

ચેન્નાઈ: તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ની મતગણતરી આજે અત્યંત રોમાંચક તબક્કે પહોંચી છે. રાજ્યમાં 23 એપ્રિલે થયેલા રેકોર્ડબ્રેક 84.69% મતદાન બાદ હવે જે વલણો સામે આવી રહ્યા છે તેણે રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. સુપરસ્ટારમાંથી નેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્ટ્રી કઝગમ’ (TVK) એ પ્રથમ ચૂંટણીમાં જ જોરદાર દેખાવ કરતા અત્યારે 107 બેઠકો પર મજબૂત લીડ મેળવી લીધી છે. આ દરમિયાન વિજયના પિતાએ કોંગ્રેસ સાથે ગઠબંધનના આપેલા સંકેતોએ દક્ષિણ ભારતના રાજકારણમાં નવી ચર્ચા છેડી છે.
સત્તાના સમીકરણોમાં કોંગ્રેસ સાથે મૈત્રીની શક્યતા
વિજયના પિતાએ એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, અન્ય પક્ષોને ટેકો આપીને કોંગ્રેસે પોતાનો આધાર ગુમાવ્યો છે, પરંતુ વિજય હવે કોંગ્રેસ સાથે સત્તામાં ભાગીદારી કરવા તૈયાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે TVK રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. વલણો મુજબ, વિજયની પાર્ટી અત્યારે મુખ્ય વિરોધ પક્ષ તરીકે એઆઈએડીએમકે (AIADMK) નું સ્થાન લેવા તરફ આગળ વધી રહી છે.
મુખ્યમંત્રી સ્ટાલિન પાછળ, વિજયનો દબદબો
સૌથી મોટો ઉલટફેર મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના ગઢ ગણાતા કોલાથુરમાં જોવા મળ્યો છે, જ્યાં સ્ટાલિન અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને TVKના વી.એસ. બાબુ આગળ છે. બીજી તરફ, સુપરસ્ટાર વિજય પોતે પેરામ્બુર અને ત્રિચી ઈસ્ટ એમ બંને બેઠકો પર મોટી સરસાઈથી આગળ છે. ત્રિચી ઈસ્ટમાં 10 રાઉન્ડના અંતે વિજય 12,657 મતોથી અને પેરામ્બુરમાં 21,000 થી વધુ મતોની લીડ ધરાવે છે. ઉધયનિધિ સ્ટાલિન ચેપોક-તિરુવલ્લીકેની બેઠક પર માત્ર 300 મતોની પાતળી સરસાઈથી સંઘર્ષ કરી રહ્યા છે.
દ્રવિડિયન પક્ષોના ગઢમાં ગાબડું
અત્યાર સુધીના વલણોમાં TVK 107 બેઠકો પર, એઆઈએડીએમકે 52 અને શાસક પક્ષ ડીએમકે (DMK) 55 બેઠકો પર આગળ છે. ડીએમકેના ઓ. પન્નીરસેલ્વમ બોડીનાયકનુર બેઠક પર 2,933 મતોથી આગળ છે. એઆઈએડીએમકેના વડા એડપ્પાદી પલાનીસ્વામી (EPS) એડપ્પાદી બેઠક પર 16 રાઉન્ડના અંતે 96,392 મતો મેળવીને 61,643 મતોની જંગી સરસાઈ મેળવી છે. ભાજપના તમિલનાડુ પ્રમુખ નૈનાર નાગેન્દ્રન અને તમિલિસાઈ સૌંદરરાજનની બેઠકો પર પણ સૌની નજર ટકેલી છે. એકલા હાથે 234 બેઠકો પર લડનાર વિજયની પાર્ટીએ તામિલનાડુના દાયકાઓ જૂના રાજકીય માળખાને હચમચાવી દીધું છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
