News of Monday, 20th April 2026
પીડિતા કેન્સર પીડિત પિતાની સારવાર અને ઘરની આર્થિક તંગીના કારણે યાતનાઓ સહન કરતી હતી :નાસિક TCS કેસમાં ખુલાસો
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) થી લઈને માનવ અધિકાર આયોગ સુધીની ટીમો મેદાનમાં ઉતરી:સતત ત્રીજા દિવસે નાસિકમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો

મહારાષ્ટ્રના નાસિકમાં TCS જેવી પ્રતિષ્ઠિત કંપનીના નામે ચાલતા કથિત ધર્માંતરણ અને યૌન ઉત્પીડન મામલે દરરોજ હૃદયદ્રાવક ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે એક પીડિતા તેના કેન્સર પીડિત પિતાની સારવાર અને ઘરની આર્થિક તંગીના કારણે આ નરક સમાન યાતનાઓ સહન કરવા મજબૂર હતી. આ મામલાની ગંભીરતા જોતા રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) થી લઈને માનવ અધિકાર આયોગ સુધીની ટીમો મેદાનમાં ઉતરી છે અને સતત ત્રીજા દિવસે નાસિકમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, એક પીડિતાના પિતા કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. પિતાની મોંઘીદાટ કીમોથેરાપી અને ઘરના ગુજરાન માટે તેને નાણાંની સખત જરૂર હતી. આ લાચારીનો ફાયદો ઉઠાવીને આરોપીઓ દ્વારા તેનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવતું હતું. બીજી તરફ, અન્ય એક પીડિતા પણ કૌટુંબિક જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલી હોવાથી આ કથિત અત્યાચાર અને ધર્માંતરણના દબાણનો સામનો કરતી રહી હતી.
નેશનલ કમિશન ફોર વિમેનની ટીમ સતત ત્રીજા દિવસે નાસિકમાં ડેરા નાખીને બેઠી છે. ટીમે TCS ઓફિસની મુલાકાત લઈ કર્મચારીઓની બેઠક વ્યવસ્થા, કેન્ટીન અને કાર્યપ્રણાલીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પીડિત મહિલાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની આપવીતી સાંભળવામાં આવી છે. આ કેસમાં હવે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એ પણ એન્ટ્રી કરી છે અને મહારાષ્ટ્ર પોલીસ પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
આ સમગ્ર કૌભાંડમાં અનેક FIR નોંધવામાં આવી છે અને કેટલાક આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. જોકે, મુખ્ય આરોપી નિદા ખાન હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આજે તેની આગોતરા જામીન અરજી પર સુનાવણી થવાની છે, જેના પર સૌની નજર ટકેલી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પીડિતોને સોશિયલ મીડિયા દ્વારા પરેશાન કરવામાં આવતા હતા અને તેમનો પીછો કરવામાં આવતો હતો, જેના ડિજિટલ પુરાવા પોલીસે એકત્ર કર્યા છે.
આ વિવાદ નાસિક સ્થિત TCS ના BPO યુનિટ સાથે જોડાયેલો છે. અહીં કામ કરતી મહિલા કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે તેમને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેમનું યૌન શોષણ કરવાનો પ્રયાસ થતો હતો. આ મામલો સામે આવ્યા બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને તપાસ એજન્સીઓ આ આખા નેટવર્કને તોડી પાડવા માટે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
