તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
વેનિસ બિએનાલે 2026: ઈટાલીના આંગણે ગુંજ્યો ભારતનો નાદ, 'હોમ' થીમ પર ભારતીય કલાકારોએ વિશ્વનું દિલ જીત્યું
ભૂતકાળની યાદો અને ભવિષ્યની આશાનું અદભૂત સંગમ: સુમાક્ષી સિંહના દોરાથી બનેલા ઘર અને આસિમ વાકિફના વાંસના સ્થાપત્યે વિદેશીઓને પણ ભાવુક કર્યા

વેનિસ:કલા જગતના સૌથી મોટા ઉત્સવ ગણાતા 'વેનિસ બિએનાલે 2026'માં આ વર્ષે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 61માં વેનિસ બિએનાલેના ત્રીજા દિવસે ભારતીય પેવેલિયને મુલાકાતીઓના હૃદય સ્પર્શી લીધા હતા. આ વર્ષની થીમ 'ઘર' (Home) - એટલે કે એક એવી જગ્યા જ્યાં આપણે હોવાનો અહેસાસ કરીએ છીએ, તેની આસપાસ વણાયેલી છે. ભારતીય કલાકારોએ પોતાની કલા દ્વારા ઘર પ્રત્યેનો લગાવ, ઝુરાપો અને સુરક્ષાની ભાવનાને અત્યંત સુંદર રીતે રજૂ કરી છે.
ભારતીય પેવેલિયનમાં સૌથી વધુ ચર્ચા સુમાક્ષી સિંહની કૃતિ 'પરમેનન્ટ એડ્રેસ' (Permanent Address) ની થઈ રહી છે. દિલ્હીમાં પાંચ પેઢીઓ સુધી સાત દાયકા કરતા વધુ સમય જે ઘરમાં વિતાવ્યો હતો, તે ઘર તોડી પાડવામાં આવ્યું તે પહેલા સુમાક્ષી સિંહે તેનું ઈંચે-ઈંચ માપ લીધું હતું અને આખા ઘરને માત્ર દોરાઓ (Thread) દ્વારા ફરીથી કલાત્મક રીતે અહીં ઉભું કર્યું છે. આ પારદર્શક દિવાલોની વચ્ચે ઉભા રહીને મુલાકાતીઓ પોતાની જૂની યાદોમાં ખોવાઈ જતા જોવા મળ્યા હતા. સુમાક્ષીના મતે, આ કૃતિ એ દરેક વ્યક્તિ માટે છે જે પોતાના એવા ઘરને ઝંખે છે જે હવે અસ્તિત્વમાં નથી.
આ ઉપરાંત, આસિમ વાકિફનું વિશાળ વાંસનું સ્થાપત્ય પણ સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો સાબિત થયું છે. પશ્ચિમ બંગાળના આઠ કારીગરોની મદદથી અને મણિપુરના લોકટક સરોવરના ખાસ ઘાસ (રીડ) નો ઉપયોગ કરીને માત્ર બે અઠવાડિયામાં આ ભવ્ય સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારત સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયના સચિવ વિવેક અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'ઘર એટલે સુંદરતા, આરામ અને પરમાનંદ' અને આ જ વૈશ્વિક સત્યને આ પેવેલિયન ઉજાગર કરે છે.
ક્યુરેટર અમીન જાફર અને FICA ના તારાના સાહનીના નેતૃત્વમાં ભારતે આ વર્ષે આંતરરાષ્ટ્રીય કલા મંચ પર મજબૂત હાજરી નોંધાવી છે. અનિશ કપૂર જેવા વિશ્વવિખ્યાત કલાકારોના પ્રદર્શનથી માંડીને જાપાન અને તુર્કીના આધુનિક પ્રયોગો વચ્ચે ભારતીય પેવેલિયનની સાદગી અને ભાવનાત્મક ઊંડાણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કલાપ્રેમીઓ માટે આ વર્ષનું વેનિસ બિએનાલે સાચા અર્થમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને આધુનિક વિચારધારાનો ઉત્સવ બની રહ્યો છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
