તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
વેનેઝુએલામાં કુદરતનો કેર: માત્ર ૪૦ સેકન્ડના અંતરે આવેલા બે પ્રચંડ ભૂકંપથી ભારે તબાહી, ૧૦ હજારથી ૧ લાખ લોકોના મોતના ભય વચ્ચે રાષ્ટ્રીય કટોકટી જાહેર : જુઓ વિડીયો
દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશમાં ૭.૨ અને ૭.૫ ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકાથી સેંકડો બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી, રાજધાની કરાકાસ સહિત સાત રાજ્યોમાં કાટમાળ નીચે હજારો લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ

કરાકાસ, ૨૫ જૂન: દક્ષિણ અમેરિકાના પ્રમુખ દેશ વેનેઝુએલામાં કુદરતે ભયાનક કહેર વર્તાવ્યો છે. અહીની ધરતી એક જ મિનિટની અંદર બે વાર પ્રચંડ આંચકાઓથી ધ્રૂજી ઉઠતાં સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ના અહેવાલ અનુસાર, પ્રથમ ભૂકંપ ૭.૨ ની તીવ્રતાનો નોંધાયો હતો અને તેના ગણતરીની ૪૦ સેકન્ડ બાદ બીજો વધુ વિનાશક ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. આ કુદરતી આપત્તિમાં વ્યાપક જાનમાલનું નુકસાન થયું હોવાના કારણે સમગ્ર વેનેઝુએલામાં તાકીદની રાષ્ટ્રીય કટોકટી (ઇમરજન્સી) જાહેર કરવામાં આવી છે.
અમેરિકન વૈજ્ઞાનિક સંસ્થા USGS ના પ્રારંભિક અહેવાલો અને આંકડાકીય વિશ્લેષણ મુજબ, આ મહાવિનાશક ધરતીકંપમાં મૃત્યુઆંક ૧૦,૦૦૦ થી લઈને ૧,૦૦,૦૦૦ (એક લાખ) ની વચ્ચે હોવાની ભીતિ સેવાઈ રહી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મોન્ટાલબાન અને મોરોન વિસ્તારની નજીક જમીનથી ૧૦ થી ૨૨ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ જ વિસ્તારમાં દેશની અનેક મોટી ઓઇલ રિફાઇનરીઓ પણ આવેલી હોવાથી વહીવટી તંત્રની ચિંતામાં મોટો વધારો થયો છે.
રાષ્ટ્રીય રજાના દિવસે જ સર્જાયો મહાવિનાશ
જે સમયે આ ભયાનક આપત્તિ ત્રાટકી, તે સમયે દેશમાં ૧૮૨૧ ના સૈન્ય વિજયની યાદમાં રાષ્ટ્રીય રજા હોવાના કારણે મોટાભાગના નાગરિકો પોતાના ઘરોમાં જ હાજર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આંચકા એટલા પ્રચંડ હતા કે બહુમાળી રહેણાંક ઇમારતો જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. રાજધાની કરાકાસમાં એક ૨૨ માળની ગગનચુંબી ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે, જેના કાટમાળ નીચે અસંખ્ય લોકો દબાયેલા છે. કરાકાસના પોશ વિસ્તારો ગણાતા પાલોસ ગ્રાન્ડેસ અને અલ્તામિરામાં પણ મોટા પાયે નુકસાનના અહેવાલો છે.
ચારેય તરફ આક્રંદ અને અંધારપટ્ટ
ભૂકંપના કારણે દેશના સાતથી વધુ રાજ્યોમાં વીજ પુરવઠો, ટેલિફોન નેટવર્ક અને પેટ્રોલ-ગેસની સપ્લાય લાઇન સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. કરાકાસની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની ભારે ભીડ ઉમટી પડી છે, જેના પગલે તબીબી સ્ટાફને ઈમરજન્સી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યો છે. રસ્તાઓ પર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનોનો સાયરનનો અવાજ ગુંજી રહ્યો છે. કાટમાળ નીચેથી પોતાના સ્વજનોને બચાવવા માટે લોકો આક્રંદ કરી રહ્યા છે. આ આંચકા એટલા તીવ્ર હતા કે પડોશી દેશ કોલંબિયામાં પણ લોકોએ ધ્રુજારી અનુભવી હતી.
આંતરરાષ્ટ્રીય મદદની અપીલ
વેનેઝુએલાના ગૃહ પ્રધાન ડિયોસદાદો કેબેલો અને ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ અને સેના સહિતની તમામ બચાવ એજન્સીઓને કાટમાળ હટાવવા અને લોકોને જીવતા બહાર કાઢવા માટે કામે લગાડી દેવામાં આવી છે. સરકારે આ આપત્તિની ગંભીરતાને જોતાં પુનઃપ્રાપ્તિ અને રાહત કાર્યો માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી આર્થિક અને તકનીકી મદદ મેળવવાની કવાયત હાથ ધરી છે. ભૂકંપ બાદ દરિયામાં સુનામીની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી, જોકે બાદમાં તે ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી છે. વર્ષ ૧૯૬૭ ના ઐતિહાસિક ભૂકંપ બાદ આ દેશનો સૌથી ભયાનક ધરતીકંપ હોવાનું સ્થાનિક વડીલો જણાવી રહ્યા છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
