News of Tuesday, 30th June 2026
વેનેઝુએલા ભૂકંપ: ગાયક ઝૈન મલિકની વૈશ્વિક મદદની હાકલ; ભારતે શરૂ કર્યું ‘ઓપરેશન એમિસ્ટાડ’: કુદરતનો પ્રકોપ: વિનાશક ભૂકંપમાં ૧,૭૦૦ થી વધુના મોત
લા ગુએરા રાજ્યમાં ભારે તબાહી વચ્ચે સૈન્યની ફિલ્ડ હોસ્પિટલ, કટોકટી તબીબી કીટ અને વાયુસેનાના વિમાનો સાથે ભારત વેનેઝુએલાની વહારે પહોંચ્યું; હજારો લોકો ઘાયલ

વોશિંગ્ટન, તા.૩૦: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં ગત ૨૪ જૂને આવેલા બે શક્તિશાળી અને પ્રલયકારી ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. આ કુદરતી આપત્તિમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧,૭૧૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના સત્તાવાર અહેવાલ છે. આ ભયાનક માનવતાવાદી કટોકટી વચ્ચે, વિશ્વપ્રસિદ્ધ બ્રિટિશ ગાયક ઝૈન મલિકે (Zayn Malik) સોશિયલ મીડિયા પર ભાવુક અપીલ કરીને યુનિસેફ (UNICEF) ના રાહત ભંડોળમાં દાન આપવા વૈશ્વિક સમર્થન માંગ્યું છે.
"દરેક નાની મદદ પણ મોટો ફેરફાર લાવશે" – ઝૈન મલિક
આપત્તિની ગંભીરતા પર પ્રકાશ પાડતા ઝૈન મલિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે, વેનેઝુએલામાં ભૂકંપ પ્રભાવિત બાળકો અને પરિવારોની તાત્કાલિક જરૂરિયાતો અત્યંત મોટી છે. તેમણે પોતાના ચાહકોને વિનંતી કરી છે કે આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિ આગળ આવે, કારણ કે નાનું દાન પણ ત્યાં વ્યાપક અસર કરી શકે છે. હાલમાં યુનિસેફની ટીમો જમીન પર રહીને લોકોને સ્વચ્છ પાણી, તબીબી પુરવઠો, આઘાતગ્રસ્ત બાળકો માટે મનોસામાજિક સહાય અને વિસ્થાપિત વિદ્યાર્થીઓ માટે સલામત આશ્રયસ્થાનો ઊભા કરવાનું કામ કરી રહી છે.
સંકટના સમયે ભારત બન્યું દેવદૂત: શરૂ કર્યું 'ઓપરેશન એમિસ્ટાડ'
વેનેઝુએલાની આ મહા મુશ્કેલીમાં ભારતે સાચા મિત્ર તરીકે હાથ લંબાવ્યો છે. ભારતે ત્યાં ત્વરિત અને અસરકારક રાહત પહોંચાડવા માટે ‘ઓપરેશન એમિસ્ટાડ’ (#OperationAmistad) શરૂ કર્યું છે. વેનેઝુએલામાં આવેલા ભારતીય દૂતાવાસે જાહેર કર્યું છે કે, ભારતે આપત્તિ બચાવ કામગીરીને વેગ આપવા માટે નીચે મુજબની મોટી સહાય રવાના કરી દીધી છે:
· ૪૧ સભ્યોની વિશેષ આર્મી બચાવ ટીમ.
· ભારતીય સેનાની સ્પેશિયલ ફિલ્ડ હોસ્પિટલ અને બે અત્યાધુનિક ‘ભીષ્મ ક્યુબ’ પોર્ટેબલ હોસ્પિટલો.
· ભારતીય વાયુસેનાના બે વિશાળકાય C-17 ગ્લોબમાસ્ટર વિમાન.
· ૩૦ ટન રાહત સામગ્રી અને ૬ ટનથી વધુ કટોકટીની દવાઓ તથા તબીબી સાધનો.
વેનેઝુએલાના વિદેશ મંત્રાલયે ભારતની આ તાત્કાલિક સહાયનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે અને ભારતની ફિલ્ડ હોસ્પિટલને કારાકાસમાં કાર્યરત કરી દેવામાં આવી છે. ભારતે ફરી એકવાર વૈશ્વિક મંચ પર ‘વસુધૈવ કુટુમ્બકમ’ (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) ની ભાવના ચરિતાર્થ કરી બતાવી છે.
તબાહીના ચોંકાવનારા આંકડા
સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, નેશનલ એસેમ્બલીના પ્રમુખ જોર્જ રોડ્રિગ્ઝે પુષ્ટિ કરી છે કે આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૨૨,૬૧૯ લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી ૫,૦૩૪ લોકો ગંભીર રીતે ઘાયલ છે.
ભૂકંપના કેન્દ્રબિંદુ સમાન વિસ્તારોમાં ૮૫૫ ઇમારતોને ભારે નુકસાન થયું છે, જેમાંથી ૧૮૯ ઇમારતો પત્તાના મહેલની જેમ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. એટલું જ નહીં, ૨૪ જૂનના મુખ્ય ભૂકંપ બાદ અત્યાર સુધીમાં નાના-મોટા ૬૦૯ આફ્ટરશોક્સ (ધ્રુજારી) નોંધાયા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં હજુ પણ ભારે ભયનો માહોલ છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
