તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
મીરા-ભાઈંદર મહાસભામાં શાકાહારી-માંસાહારી ભોજન પર રાજકીય ઘમાસાણ: ‘મહારાષ્ટ્ર કે જૈન નગરી?’ના સવાલથી ગરમાયું રાજકારણ
છેલ્લા છ મહિનાથી માંસાહારી ભોજન બંધ કરાયાના આક્ષેપ સાથે વિપક્ષોનો આક્રોશ, ખાદ્ય સ્વતંત્રતા તેમજ સ્થાનિક સંસ્કૃતિના મુદ્દે સત્તાધારી ભાજપ અને વિરોધી પક્ષો સામસામે.

મીરા-ભાઈંદર : મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની મહાસભામાં શાકાહારી તેમજ માંસાહારી ભોજનની વ્યવસ્થાને લઈને રાજકીય વિવાદ તીવ્ર બન્યો છે, જ્યાં છેલ્લા છ મહિનાથી માંસાહારી ભોજન બંધ કરી દેવાયાના વિપક્ષોના આક્ષેપ બાદ ખાદ્ય સ્વતંત્રતા, સ્થાનિક સંસ્કૃતિ તેમજ બંધારણીય અધિકારોના મુદ્દે સત્તાધારી ભાજપ અને વિરોધી પક્ષો વચ્ચે ભારે ઘમાસાણ સર્જાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા ૨૫ વર્ષથી મહાસભામાં બંને પ્રકારના ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા છ મહિનાથી માંસાહારી ભોજન બંધ કરાયું હોવાનો આક્ષેપ કરીને મરાઠા એકીકરણ સમિતિ, શિવસેનાના શિંદે જૂથ, કોંગ્રેસ તેમજ મનસેએ વિરોધ નોંધાવ્યો છે, અને મરાઠા એકીકરણ સમિતિના ગોવર્ધન દેશમુખે સવાલ ઉઠાવ્યો છે કે મીરા-ભાઈંદરને મહારાષ્ટ્ર કહેવું કે ગુજરાત કે જૈન નગરી, તેમજ ૫૫ મરાઠી નગરસેવકો મૌન કેમ છે.
ઘટનાની વિગતવાર માહિતી આપતા શિવસેનાના શિંદે જૂથનાં નગરસેવિકા શર્મિલા બગાજીએ જણાવ્યું હતું કે માંસાહાર આગરી-કોળી સમાજની ખાદ્યસંસ્કૃતિ અને પરંપરાનો અભિન્ન ભાગ છે પરંતુ ખેતી તેમજ માછીમારીમાં યોગદાન આપતા આ સમાજને નિર્ણય લેતી વખતે વિશ્વાસમાં લેવાતો નથી, જ્યારે કોંગ્રેસના નેતા મુઝફ્ફર હુસેને બહુમતીના જોરે મનસ્વી નિર્ણયો ન લઈ શકાય અને ખાનપાન, પહેરવેશ, ભાષા તેમજ ધર્મની સ્વતંત્રતા નાગરિકોનો બંધારણીય અધિકાર હોવાનું જણાવ્યું હતું.
આ વિવાદમાં મનસેના સચિન પોપળેએ પણ મરાઠી નગરસેવકોને ‘રોબોટ નગરસેવકો’ ગણાવીને તેમની ભૂમિકા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા તેમજ મરાઠી ભાષા, સંસ્કૃતિ અને ખાદ્યપરંપરાના મુદ્દે મક્કમ વલણ અપનાવવાની અપીલ કરી હતી, જોકે ભાજપ તરફથી નાયબ મેયર ધ્રુવ કિશોર પાટીલે આરોપો ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર પ્રતિબંધ મૂકાયો નથી અને ભાજપને બદનામ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે.
ભૂતકાળમાં પણ વિવિધ શહેરો, સંસ્થાઓ તેમજ જાહેર મંચો પર ખાનપાનની પસંદગી, સાંસ્કૃતિક ઓળખ તેમજ વહીવટી નિર્ણયોને લઈને રાજકીય તેમજ સામાજિક સ્તરે ચર્ચાઓ અને વિવાદો સામે આવતા રહ્યા છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
