<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

લંડનના ઐતિહાસિક થેમ્સ નદી કિનારે પ્રથમ વખત ગુંજી ઉઠ્યા વૈદિક મંત્રો: 'ગંગા આરતી'ના અલૌકિક આયોજનથી બ્રિટનમાં ભક્તિમય માહોલ, હજારો લોકો ઉમટ્યા

ચિન્મય મિશન યુકેની ૭૫મી વર્ષગાંઠ અને 'ટોટલી થેમ્સ' ઉત્સવના સંગમથી રચાયો ઈતિહાસ; પર્યાવરણની જાળવણી સાથે લંડનમાં પ્રકાશ, આધ્યાત્મિકતા અને કૃતજ્ઞતાની ભવ્ય ઉજવણી

લંડન, તા.૧૪: બ્રિટનની રાજધાની લંડનમાં રવિવારે એક ઐતિહાસિક અને અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું. ભારતમાં પવિત્ર ગંગા નદીના કિનારે યોજાતી વિશ્વપ્રસિદ્ધ ગંગા આરતીની તર્જ પર પ્રથમ વખત લંડનની પ્રસિદ્ધ થેમ્સ નદીના કિનારે 'ગંગા આરતી: પ્રકાશ અને કૃતજ્ઞતાનો સમારોહ' અત્યંત ભાવવિભોર વાતાવરણમાં યોજાયો હતો. ચિન્મય મિશન યુકેની ૭૫મી વર્ષગાંઠની વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે અને વાર્ષિક 'ટોટલી થેમ્સ' ઉત્સવના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બ્રિટિશ હિન્દુ અને દક્ષિણ એશિયાઈ સમુદાયના હજારો લોકો શ્રદ્ધાભેર એકત્રિત થયા હતા.

 

ગ્રીનવિચ ખાતે આવેલા ઐતિહાસિક 'ઓલ્ડ રોયલ નેવલ કોલેજ'ના પૃષ્ઠભૂમિમાં યોજાયેલા આ સમારોહમાં શંખનાદ, સંગીત અને શુદ્ધ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અનેક સ્તરોવાળા મોટા તેલના દીવાઓ વડે આરતી કરવામાં આવી હતી. ચિન્મય મિશન યુકેના નિવાસી શિક્ષક બ્રહ્મચારિણી શ્રીપ્રિયા ચૈતન્યએ જણાવ્યું હતું કે, "ગંગા માત્ર એક નદી નથી પણ તે કાલાતીત જ્ઞાન અને ચેતનાના પવિત્ર પ્રવાહનું પ્રતીક છે. સ્વામી ચિન્મયાનંદજીએ વેદાંતના આ જ્ઞાનને હિમાલયથી સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું હતું, અને આ આયોજન તે જ જ્ઞાન, સેવા તથા પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતાની ઉજવણી છે."

 

આ આયોજનની સૌથી મોટી વિશેષતા તેની પર્યાવરણ-અનુકૂળ (Eco-friendly) શૈલી રહી હતી. થેમ્સ નદીની સ્વચ્છતા અને નિવસનતંત્રને જરાય ખલેલ પહોંચાડ્યા વિના આ પૂજા-આરતી સંપૂર્ણપણે જમીન પર જ યોજવામાં આવી હતી. આરતીના દીવા કે અન્ય કોઈ પૂજા સામગ્રી નદીના પાણીમાં પધરાવવામાં આવી નહોતી. આ સિવાય સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ બંધ રાખીને કચરો ઓછો કરવાનો જવાબદાર સંદેશ આપવામાં આવ્યો હતો.

 

૧૯૫૧માં સ્થાપિત ચિન્મય મિશન આજે વિશ્વભરમાં ૩૫૦થી વધુ કેન્દ્રો ધરાવે છે અને આ વર્ષે પોતાની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. બીજી તરફ, ૧૯૯૭થી યોજાતો 'ટોટલી થેમ્સ' ઉત્સવ લંડનની નદી સંસ્કૃતિને બિરદાવે છે. આ બંનેના સમન્વયથી પ્રથમ વાર યોજાયેલી આ ગંગા આરતીની સફળતાને જોતાં, હવે દર વર્ષે લંડનના થેમ્સ કિનારે આ રીતે ભારતીય સંસ્કૃતિ અને ભક્તિનો રોશનીપર્વ યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

(5:00 PM IST)