તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
બોઈલર ફાટતા છત્તીસગઢનો વેદાંતા પાવર પ્લાન્ટ ધ્રૂજી ઉઠ્યો : વિસ્ફોટમાં 10 શ્રમિકોના મોતના અહેવાલ, 40ની સ્થિતિ ગંભીર
સક્તિ જિલ્લામાં બોઈલર ફાટતા સર્જાયેલી ચીસાચીસ અને અફરાતફરી : પ્રચંડ ધડાકા સાથે પ્લાન્ટનો કાટમાળ હવામાં ઉડ્યો : ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર

રાયપુર:છત્તીસગઢના સક્તિ જિલ્લામાં આવેલ સિંઘીતરાઈ ગામ પાસે વેદાંત લિમિટેડના પાવર પ્લાન્ટમાં આજે એક ભયાનક બોઈલર વિસ્ફોટની ઘટનાએ ઔદ્યોગિક જગતને હચમચાવી દીધું છે. આ પ્રચંડ દુર્ઘટનામાં કામ કરી રહેલા શ્રમિકો પૈકી 10 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાની પ્રબળ આશંકા છે, જ્યારે પ્લાન્ટમાં કામ કરી રહેલા અન્ય 40 જેટલા કામદારો આગની જ્વાળાઓ અને ગરમ વરાળમાં ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પ્લાન્ટની મજબૂત દીવાલો અને પતરાં પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગયા હતા.
ધરતીકંપ જેવો અનુભવ અને ગ્રામજનોમાં ફફડાટ:
ઘટનાની જાણવા મળતી વિગત મુજબ, પ્લાન્ટમાં જ્યારે કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું હતું ત્યારે અચાનક હાઈ-પ્રેશર બોઈલર ફાટ્યું હતું. આ વિસ્ફોટનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના 5 થી 7 કિલોમીટરના વિસ્તારના લોકોએ ધરતીકંપ આવ્યો હોવાની આશંકાએ ઘરોની બહાર દોટ મૂકી હતી. પ્લાન્ટની અંદર રહેલા શ્રમિકોને બચવાનો પણ મોકો મળ્યો નહોતો અને આખો વિસ્તાર કાળા ધુમાડા અને ગરમ વરાળથી ઘેરાઈ ગયો હતો.
બચાવ કામગીરી અને હોસ્પિટલમાં આક્રંદ:
ઘટનાસ્થળે પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ પહોંચીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, દાઝી ગયેલા અનેક શ્રમિકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી આગામી સમયમાં મૃત્યુઆંક વધી શકે છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જેને લઈને હોસ્પિટલ પરિસરમાં શ્રમિકોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
બેદરકારી અને સુરક્ષાના માપદંડોની તપાસ:
આ જંગી પ્લાન્ટમાં સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરવામાં આવતું હતું કે કેમ, તે અંગે હવે ગંભીર તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે પ્લાન્ટને સીલ કરીને ટેકનિકલ એક્સપર્ટ્સની મદદથી વિસ્ફોટના મૂળ કારણોની તપાસ હાથ ધરી છે. પ્લાન્ટ મેનેજમેન્ટના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જો કોઈની બેદરકારી સાબિત થશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
