<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

વારાણસી-પ્રયાગરાજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત :સ્કોર્પિયો કારને પાછળથી ટ્રકે જોરદાર ટક્કર મારી:4 શ્રદ્ધાળુઓના મોત : 2 લોકો ગંભીર

સ્કોર્પિયો કારમાં સવાર તમામ મુસાફરો મિર્ઝાપુર સ્થિત મા વિંધ્યવાસિનીના દર્શન-પૂજન કરી માતાજીના આશીર્વાદ લઈને પોતાના ઘરે કાશી પરત ફરી રહ્યા હતા

ઉત્તરપ્રદેશના વારાણસી-પ્રયાગરાજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. મિર્ઝામુરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા પ્રયાગરાજ-વારાણસી નેશનલ હાઈવે-19 પર થયેલા આ ભયાનક અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રૂપાપુર ઓવરબ્રિજ નજીક ઊભેલી સ્કોર્પિયો કારને પાછળથી ધસી આવેલી બેફામ ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે સ્કોર્પિયો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

 

મળતી માહિતી મુજબ સ્કોર્પિયો કારમાં સવાર તમામ મુસાફરો મિર્ઝાપુર સ્થિત મા વિંધ્યવાસિનીના દર્શન-પૂજન કરવા ગયા હતા. માતાજીના આશીર્વાદ લઈને તમામ શ્રદ્ધાળુઓ પોતાના ઘરે કાશી પરત ફરી રહ્યા હતા. સોમવારે સવારે લગભગ 5 વાગ્યે નેશનલ હાઈવે-19 પર રૂપાપુર ઓવરબ્રિજ પાસે સ્કોર્પિયો ઊભી રહી હતી. તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે ઊભેલી કારને જોરદાર ટક્કર મારી હતી. આ અણધારી આફતે પરિવારોની ખુશીઓને પળવારમાં માતમમાં ફેરવી નાખી હતી.

 

ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયો કાર પડીકું વળી ગઈ હતી અને તેમાં સવાર લોકો અંદર જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ઘટના બનતાં જ હાઈવે પર ભારે ચીસાચીસ થઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. કારનું પતરું કાપીને ભારે જહેમત બાદ લોકોને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં મોકલાયા હતા.

આ ગંભીર અકસ્માતમાં અમન યાદવ, ગોલુ અને આલોક મિશ્રા નામના યુવકોનું મોત નીપજ્યું હતું. ચોથા મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો પોલીસ કરી રહી છે. બીજી તરફ કન્હૈયા યાદવ અને નિખિલ કુમાર નામના બે યુવકો ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે તમામ મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ચાલકની બેદરકારી સહિત અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે.

 

(11:59 AM IST)