તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
કર્ણાટકમાં 'વંદે માતરમ'ના પ્રોટોકોલ પર મોટો વિવાદ: રાષ્ટ્રગીતના માત્ર બે જ ફકરા ગાવાના નિયમથી ગુસ્સે ભરાયેલા ભાજપના ધારાસભ્ય ચન્નાબસપ્પા કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા!
શિવમોગ્ગામાં 'લોકશાહી દિવસ' નિમિત્તે યોજાયેલા સરકારી કાર્યક્રમ દરમિયાન સરકારના નવા નિયમનો વિરોધ કરતા ભાજપના ધારાસભ્ય અને દલિત સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

બેંગલુરુ : કર્ણાટકમાં સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના માત્ર પ્રથમ બે જ ફકરા ગાવાના રાજ્ય સરકારના નવા નિયમને લઈને રાજકારણ ગરમાયું છે. શિવમોગ્ગા ખાતે 'લોકશાહી દિવસ' (ડેમોક્રેસી ડે) નિમિત્તે આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય ચન્નાબસપ્પાએ આ નિયમનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો હતો અને વિરોધ સ્વરૂપે કાર્યક્રમની વચ્ચેથી જ બહાર નીકળી ગયા હતા.
ઘટનાની વિગતો મુજબ, મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમમાં જ્યારે કર્ણાટક સરકારના નવા પ્રોટોકોલ મુજબ 'વંદે માતરમ'ના માત્ર બે જ ફકરા ગાવામાં આવ્યા, ત્યારે શિવમોગ્ગાના ભાજપના ધારાસભ્ય ચન્નાબસપ્પા પોતાની બેઠક પરથી ઊભા થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક ડેપ્યુટી કમિશનર (DC) સમક્ષ સખત વાંધો નોંધાવતા સવાલ કર્યો હતો કે, શું લોકશાહી રાષ્ટ્ર અને રાજ્ય માટે અલગ-અલગ નિયમો હોઈ શકે?
ડીસી જવાબ આપે તે પહેલાં જ કાર્યક્રમમાં હાજર દલિત સંઘર્ષ સમિતિ (DSS) ના સભ્યોએ ધારાસભ્ય સામે મોરચો ખોલી દીધો હતો. ડીએસએસના સભ્યોએ દલીલ કરી હતી કે અધિકારીઓ માત્ર સરકારના આદેશનું પાલન કરી રહ્યા છે, અને રાજકારણના કારણે અધિકારીઓને મુશ્કેલીમાં ન મૂકવા જોઈએ. જો કોઈ ફેરફાર જોઈતો હોય તો સીધો સરકાર સમક્ષ રજૂઆત કરો. આ દલિલબાજીથી અત્યંત નારાજ થયેલા ચન્નાબસપ્પાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ એવા કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લે જ્યાં 'વંદે માતરમ'નું પૂરતું સન્માન ન થતું હોય, અને તેઓ સભા છોડીને બહાર નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની કોંગ્રેસ સરકારે બે અઠવાડિયા પહેલા જ આદેશ બહાર પાડ્યો હતો કે જાહેર કાર્યક્રમોમાં વંદે માતરમના માત્ર પ્રથમ બે જ ફકરા ગાવામાં આવશે, ત્યારથી આ મુદ્દો સતત વિવાદોમાં ઘેરાયેલો છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
