<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

આભમાં અષાઢ અને ધરતી પર વૈશાખ: પહાડોમાં બરફવર્ષા અને વરસાદનું તાંડવ, જ્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી અને હીટવેવની એન્ટ્રી

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને પૂર્વોત્તરમાં 'થંડરસ્ક્વોલ'ની ચેતવણી; ગુજરાતમાં પારો 3°C ઉછળવાની સંભાવના સાથે ભેજવાળા વાતાવરણનો ડબલ માર

અમદાવાદ, તા.23: ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ આજના બુલેટિનમાં દેશભરમાં 'બેવડી ઋતુ'નો ચોંકાવનારો વરતારો આપ્યો છે. એક તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં મેઘરાજા ગાજવીજ સાથે ધબધબાટી બોલાવશે, તો બીજી તરફ ગુજરાત સહિત મધ્ય ભારતના લોકોએ હવે આકરા ઉનાળા અને હીટવેવ (લૂ) નો સામનો કરવા તૈયાર રહેવું પડશે. કુદરતનો આ મિજાજ ક્યાંક પલાળશે તો ક્યાંક દઝાડશે.

ગુજરાતની વાત કરીએ તો, આગામી 24 કલાક સુધી તાપમાન સ્થિર રહેશે, પરંતુ 24 થી 27 એપ્રિલ દરમિયાન ગરમીનો પારો 2-3°C જેટલો ઉછળી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે અસહ્ય બફારો અનુભવાશે. જોકે, રાહતની વાત એ છે કે આગામી ત્રણ દિવસમાં રાજ્યના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે, જે ગરમીમાં થોડી ઓટ લાવી શકે છે.

ઉત્તર ભારતના પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 29 એપ્રિલ સુધી હિમવર્ષા અને વરસાદની આગાહી છે. પૂર્વોત્તર ભારતમાં આસામ અને મેઘાલયમાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે 'થંડરસ્ક્વોલ' આવવાની શક્યતા છે. જ્યારે મેદાની વિસ્તારો જેવા કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 26 એપ્રિલ સુધી ભયંકર હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કરાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

 

હવામાનની મુખ્ય હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં ગરમી: 24 એપ્રિલથી તાપમાનમાં વધારો, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ.
  • પહાડોમાં બરફવર્ષા: જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં 30-50 કિમીની ઝડપે પવન સાથે વરસાદ/બરફવર્ષા.
  • મેદાની વિસ્તારોમાં લૂ: દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 24-25 એપ્રિલે હીટવેવની અસર.
  • પૂર્વોત્તરનું જોખમ: અરુણાચલ અને આસામમાં અતિભારે વરસાદની રેડ એલર્ટ.
  • કરાં પડવાની શક્યતા: મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કમોસમી વરસાદ સાથે કરાં પડી શકે છે.

 

(4:25 PM IST)