News of Friday, 25th September 2026
ઉઇગુર મુસ્લિમો પર ચીનનો નવો ચહેરો: નરસંહાર છુપાવવા રચાયું 'પબ્લિસિટી પ્રોપગેન્ડા'નું મોટું આયોજન, વર્લ્ડ ઉઇગુર કોંગ્રેસનો યુએનમાં ધડાકો!
આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં ચીને બદલી રણનીતિ: વિદેશી પત્રકારો અને રાજદ્વારીઓને 5-સ્ટાર હોટલ ને બિઝનેસ ક્લાસ ફ્લાઇટ્સ આપી સ્થિતિ સામાન્ય હોવાનું નાટક કર્યાનો મોટો આક્ષેપ

જીનીવા : ચીનની શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમો પ્રત્યેની કઠોર નીતિઓ અને માનવાધિકાર ઉલ્લંઘનને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા સતત વધી રહી છે. જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) ના ૬૩મા સત્ર દરમિયાન વર્લ્ડ ઉઇગુર કોંગ્રેસના પ્રમુખ ડોલ્કુન ઇસાએ ચીન સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ઇસાએ જણાવ્યું હતું કે ચીને ઉઇગુર પ્રત્યેનો પોતાનો અત્યાચાર બંધ નથી કર્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે પોતાના નરસંહાર અને અત્યાચારને છુપાવવા નવી યુક્તિઓ અને પ્રચાર પ્રવાસોનો સહારો લેવાનું શરૂ કર્યું છે.
'પ્રોપગેન્ડા ટ્રિપ્સ' દ્વારા વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ
ડોલ્કુન ઇસાએ ખુલાસો કરતા કહ્યું કે, વર્ષ ૨૦૧૭થી ચીને ઉરુમકી અને અન્ય દેશો વચ્ચેની તમામ ફ્લાઇટ્સ રદ કરીને, ઇન્ટરનેટ કનેક્શન કાપીને તેમજ પાસપોર્ટ જપ્ત કરીને આ વિસ્તારને બાકીની દુનિયાથી તદ્દન અલગ કરી દીધો હતો. પરંતુ હવે યુએનનો રિપોર્ટ અને મોઝામ્બિક સંસદના પ્રસ્તાવ જેવા વૈશ્વિક દબાણ સામે આવ્યા બાદ ચીને પોતાની વ્યૂહરચના બદલી છે. ચીની સરકાર હવે વિદેશી પત્રકારો, રાજદ્વારીઓ અને વિદ્વાનોને બિઝનેસ-ક્લાસ ફ્લાઇટ્સ અને ફાઇવ-સ્ટાર હોટેલ્સ આપી 'પેઇડ પ્રોપગેન્ડા ટૂર' પર બોલાવે છે, જેથી વિશ્વ સામે બધું સામાન્ય હોવાનો ખોટો દેખાવ કરી શકાય.
શિબિરોમાં અત્યાચાર અને સાંસ્કૃતિક નાબૂદી ચાલુ
ઇસાએ વધુમાં ઉમેર્યું હતું કે વાસ્તવિકતામાં દબાણ અને શોષણ પહેલા કરતાં પણ વધુ મજબૂત બન્યા છે. આજે પણ લાખો ઉઇગુરો કન્સન્ટ્રેશન કેમ્પમાં પીડાઈ રહ્યા છે અને તેમની પાસે બળજબરીથી મજૂરી કરાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, દસ લાખથી વધુ બાળકોને તેમના પરિવારથી અલગ કરી દેવાયા છે. ૧ જુલાઈથી અમલમાં આવેલા ચીનના નવા 'વંશીય એકતા કાયદા' હેઠળ ઉઇગુર અને તિબેટી ભાષાઓને શાળાઓ અને રોજિંદા જીવનમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહી છે, જે આ સમુદાયોના અસ્તિત્વ માટે અત્યંત ખતરનાક સ્થિતિ છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
