<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ઉત્તર પ્રદેશની સુલતાનપુર કોર્ટે રાહુલ ગાંધીને ૨૦૧૮ના માનહાનિ કેસમાં કર્યા નિર્દોષ જાહેર : ટિપ્પણી માનહાનિની શ્રેણીમાં આવતી ન હોવાનું કોર્ટનું તારણ

ભાજપ નેતા વિજય મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં અદાલતે રાહુલ ગાંધીને આપી રાહત : વરિષ્ઠ વકીલ આર.એસ. ચીમાની ટીમે રજૂ કર્યા તર્કો

સુલતાનપુર : ઉત્તર પ્રદેશના સુલતાનપુરની એક અદાલતે સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વર્ષ ૨૦૧૮ના માનહાનિના એક કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલો વર્ષ ૨૦૧૮માં કર્ણાટક ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા એક નિવેદન સાથે જોડાયેલો હતો, જેમાં ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ સામે ટિપ્પણી કરવામાં આવી હતી.

અતિરિક્ત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ શુભમ વર્મા દ્વારા આ ફેસલો સુનાવવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધી અદાલતમાં હાજર હતા. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી કાયદાકીય દ્રષ્ટિએ માનહાનિની શ્રેણીમાં આવતી નથી.

ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ આ ગુનાહિત માનહાનિનો કેસ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના નેતા વિજય મિશ્રા દ્વારા ૨૦૧૮માં નોંધાવવામાં આવ્યો હતો. ફરિયાદીના આક્ષેપ મુજબ, બેંગલુરુમાં યોજાયેલી ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ભારતના લોકો ભૂલી જાય છે કે ભાજપના અધ્યક્ષ હત્યાના આરોપી છે. આ નિવેદનનો ઈશારો સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ તરફ હતો, જો કે ૨૦૧૪માં જ એક વિશેષ સીબીઆઈ અદાલતે અમિત શાહને આ કેસમાંથી આરોપમુક્ત કરી દીધા હતા.

આ કેસની કાનૂની કાર્યવાહીમાં રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ અધિવક્તા આર.એસ. ચીમાએ અધિવક્તાઓ કાશી શુક્લા, તરંનુમ ચીમા, પ્રસન્ના એસ અને આકાશ સિંહ સાથે મળીને રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૦૨૩માં ગુજરાતની એક અદાલતે "બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?" તેવા નિવેદનને લઈને રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને સજા ફટકારી હતી, જેના કારણે તેમની સંસદ સભ્યતા પણ રદ થઈ હતી, જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે તે સજા પર રોક લગાવી દીધી હતી.

(12:32 PM IST)