તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ભૂગર્ભ જળ સ્ત્રોતોના પરીક્ષણમાં ઉત્તર પ્રદેશ દેશભરમાં મોખરે: યોગી સરકારે ૯૪.૩૯% લક્ષ્યાંક પૂર્ણ કરી નવો કીર્તિમાન સર્જ્યો!
કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના મોનિટરિંગમાં યુપી પ્રથમ ક્રમે: રાષ્ટ્રીય સરેરાશ કરતાં ૪૪% વધુ કામગીરી સાથે પંજાબ અને આંધ્ર પ્રદેશને પણ પાછળ છોડ્યા

લખનૌ : જળ સંરક્ષણ, ભૂગર્ભ જળના સ્તરમાં સુધારો અને રાજ્યના દરેક ઘર સુધી સ્વચ્છ તથા સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવાની દિશામાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક નવો ઐતિહાસિક માપદંડ સ્થાપિત કર્યો છે. ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા ભૂગર્ભ જળ સ્ત્રોતોના મોનિટરિંગ અને પરીક્ષણ માટે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ઉત્તર પ્રદેશે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ છ મહિનામાં કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ માટે ૪૮,૦૫૫ ભૂગર્ભ જળ સ્ત્રોતોના પરીક્ષણનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. તેની સામે રાજ્યની પ્રયોગશાળાઓએ અસાધારણ કામગીરી દાખવીને ૪૫,૩૬૧ સ્ત્રોતોનું સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે, જે કુલ લક્ષ્યાંકના ૯૪.૩૯ ટકા જેટલું થવા જાય છે. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના આંકડા મુજબ, ઉત્તર પ્રદેશની આ સિદ્ધિ ૫૦.૪૬ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે એટલે કે લગભગ ૪૪ ટકા જેટલી વધારે છે.
ભૂગર્ભ જળ સ્ત્રોતોના પરીક્ષણની આ રાષ્ટ્રીય રેસમાં ઉત્તર પ્રદેશ બાદ પંજાબ અને આંધ્ર પ્રદેશ અનુક્રમે ૮૩.૪૬ ટકા સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે રહ્યા છે, જ્યારે ઉત્તરાખંડ ૮૨.૩૦ ટકા સાથે ચોથા અને કેરળ ૮૧.૧૩ ટકા સાથે પાંચમા ક્રમે છે. યુપી જલ નિગમ (ગ્રામીણ) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં હવે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે માત્ર ૨,૬૯૪ સ્ત્રોતોનું પરીક્ષણ બાકી છે, જેને પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દરેક નાગરિક સુધી શુદ્ધ પેયજળ પહોંચાડવાની નેમ સુનિશ્ચિત કરવામાં આવશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
