<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ઉત્તર પ્રદેશ પોલીસની અજબ ગજબ લીલા: રૂ. ૧ કરોડનું કિંમતી સોનું વાંદરો ઉપાડી ગયો હોવાની વાર્તા કોર્ટે ન સ્વીકારતા આખરે મૃત પોલીસકર્મીઓ પર ઢોળાયો ચોરીનો સમગ્ર આક્ષેપ

​લખીમપુર ખીરીમાં કરોડો રૂપિયાના મુદ્દામાલની હેરાફેરીના ચકચારી કેસમાં ખાખી વર્દીને દાગ લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો; વર્ષો જૂની ચોરીના મામલે અદાલત સમક્ષ પોલીસ વિભાગે રજૂ કરેલા વિચિત્ર બહાનાઓથી કાનૂની વર્તુળોમાં ભારે આશ્ચર્ય

​લખીમપુર ખીરી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાંથી કાનૂની ઇતિહાસ અને પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરતો એક અત્યંત ચોંકાવનારો અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં સરકારી કસ્ટડીમાં રાખવામાં આવેલું આશરે ૧ કરોડ રૂપિયાની કિંમતનું સોનું ગાયબ થઈ જવાના મામલે સ્થાનિક પોલીસ પ્રશાસને પોતાની ચામડી બચાવવા માટે અદાલત સમક્ષ જે પ્રકારની દલીલો અને બહાનાબાજી રજૂ કરી છે, તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. કરોડોના સોનાની આ ચોરી છુપાવવા માટે પહેલા વાંદરા પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો અને જ્યારે અદાલતે આ હાસ્યાસ્પદ દલીલને ફગાવી દીધી, ત્યારે પોલીસે હવે આ દુનિયા છોડી ગયેલા મૃત પોલીસ અધિકારીઓ પર જ સમગ્ર ગુનાનો આક્ષેપ મઢી દીધો છે.

​સમગ્ર ઘટનાક્રમ અને મામલાની પૃષ્ઠભૂમિ

આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ ૧૯૭૩માં થઈ હતી, જ્યારે લખીમપુર ખીરીના મોહમ્મદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાની એક મોટી દાણચોરી પકડાઈ હતી. તે સમયે પોલીસે વિદેશી માર્કવાળા સોનાના બિસ્કિટ અને સિક્કા સહિત આશરે ૪ કિલોગ્રામથી વધુ સોનું જપ્ત કર્યું હતું. વર્તમાન બજાર કિંમત અનુસાર આ જપ્ત કરાયેલા સોનાનું મૂલ્ય અંદાજે ૧ કરોડ રૂપિયાથી પણ વધુ થવા જાય છે. નિયમ મુજબ આ કિંમતી મુદ્દામાલને પોલીસ સ્ટેશનના મલખાના (સ્ટ્રોંગ રૂમ)માં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને કોર્ટમાં લાંબા સમય સુધી આ કેસની સુનાવણી ચાલી રહી હતી.

​કોર્ટમાં ખુલી પોલીસની પોલ: પહેલા વાંદરાને બનાવ્યો મહોરું

જ્યારે અદાલતે આ વર્ષો જૂના કેસના નિકાલ માટે જપ્ત કરાયેલા સોનાને પુરાવા તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો, ત્યારે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી કારણ કે સરકારી કસ્ટડીમાંથી એ સોનું ગાયબ થઈ ચૂક્યું હતું. પોતાની નાકામી છુપાવવા માટે પોલીસે કોર્ટમાં લેખિત અહેવાલ રજૂ કર્યો કે પોલીસ સ્ટેશનના માલખાનાની બારી તોડીને એક વાંદરો અંદર ઘૂસી ગયો હતો અને તે સોનાથી ભરેલી પોટલી લઈને ભાગી ગયો હતો. જોકે, ન્યાયાધીશે પોલીસની આ કાલ્પનિક અને હાસ્યાસ્પદ વાર્તાને સખત શબ્દોમાં નકારી કાઢી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કડક વલણ અપનાવ્યું હતું.

​નવો પેંતરો: મૃત પોલીસકર્મીઓ પર આક્ષેપ

વાંદરાવાળી દલીલ કોર્ટમાં ન ટકતા પોલીસે પોતાની વ્યૂહરચના બદલી નાખી હતી. તપાસ આગળ વધારવાના બહાને પોલીસે નવો રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં જણાવાયું કે જે-તે સમયે મોહમ્મદી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને માલખાનાના પ્રભારીઓએ આ સોનાની હેરાફેરી કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ દ્વારા જે બે મુખ્ય શંકાસ્પદ પોલીસકર્મીઓના નામ આપવામાં આવ્યા છે, તે બંનેનું ઘણો સમય પહેલાં જ અવસાન થઈ ચૂક્યું છે.


​પોલીસે કોર્ટને જણાવ્યું કે આ કેસના દસ્તાવેજો અને તપાસના આધારે એવું પ્રતીત થાય છે કે મૃત થઈ ચૂકેલા તત્કાલીન સરકારી કર્મચારીઓએ જ સત્તાનો દુરુપયોગ કરીને સોનું સગેવગે કર્યું હતું. આમ, જીવિત કૌભાંડીઓને બચાવવા અથવા પોતાની આબરૂ રાખવા માટે ઉત્તર પ્રદેશ પોલીસે હવે એવા લોકો પર ગુનાનો ટોપલો ઢોળ્યો છે જેઓ પોતાનો બચાવ કરવા માટે આ દુનિયામાં હાજર નથી. આ મામલો હાલ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને ઉચ્ચ સ્તરે ખાખીની શાખ ખરડાઈ છે.

(4:07 PM IST)