<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

લખનૌમાં એકેટીયુના દીક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું યુવાધન માટે મોટું નિવેદન - આત્મનિર્ભર થયા વિના લગ્ન ન કરવાની આપી કડક સલાહ

પ્રેમ લગ્નની વિરોધી નથી પરંતુ યુવક-યુવતીઓ ઘરથી ભાગી ગયા બાદ દીકરીઓ ગર્ભવતી બને અને બાળકને બાળગૃહ ભેગું કરવું પડે તેવા ખોટા પરાક્રમો ન કરવા હાકલ : યુનિવર્સિટીમાં નબળા બાંધકામ અને સુવિધાઓ મુદ્દે તંત્રને ખખડાવ્યું

 લખનૌ, ૮ જુલાઈ:  આજકાલ યુવક-યુવતીઓ પરિવારના ડરથી કે ઘરના સભ્યો ન માનતા હોવાના કારણે ઘર છોડીને ભાગી જતા હોય છે અને ત્યારબાદ તેમને કેવી ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તે વિષય પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે. લખનૌ ખાતે યોજાયેલા એકેટીયુ (AKTU) યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત છાત્રોને સંબોધિત કરતા તેમણે યુવાનોને લાલબત્તી ધરતા જણાવ્યું હતું કે, આજકાલ છોકરા-છોકરીઓ ભાગી જાય છે અને પછી દીકરીઓ ગર્ભવતી બને છે, ત્યારબાદ તે માસૂમ બાળકનો કોઈ સ્વીકાર કરતું નથી અને અંતે બાળકને બાળગૃહ (ઓર્ફનેજ) મોકલવાનો વારો આવે છે.

 

રાજ્યપાલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના પુત્ર સાથે થયેલી ભૂતકાળની વાતચીતનો કિસ્સો પણ વાગોળ્યો હતો. તેમણે ટકોર કરતા કહ્યું હતું કે, આ પ્રકારના પગલાં ભરવા એ કોઈ પરાક્રમ નથી, માટે આવું નકારાત્મક પરાક્રમ ક્યારેય ન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે તેમનો પુત્ર જ્યારે બેંગલુરુ ખાતે અભ્યાસ કરવા ગયો હતો ત્યારે તેમણે તેને સ્પષ્ટ શબ્દોમાં કહી રાખ્યું હતું કે જો કોઈ છોકરી પસંદ આવે તો પરિવારને વહેલી તકે જણાવી દેવું, જેથી તેઓ પોતે તેના લગ્ન કરાવી આપે. જો કે, તેમના પુત્રએ એવું કશું કર્યું નહોતું. રાજ્યપાલે વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે જો તમને કોઈ પાત્ર પસંદ હોય તો પણ સૌથી પહેલા આત્મનિર્ભર બનો અને પગભર થયા બાદ જ લગ્નનો નિર્ણય કરો.

 

પોતાના સંબોધનમાં તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, તેઓ પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજના વિરોધી નથી. તેમણે વિદ્યાર્થીઓને સમજાવતા કહ્યું કે તમને એવું લાગતું હશે કે હું લવ મેરેજની વિરુદ્ધમાં બોલી રહી છું, પરંતુ વાસ્તવમાં એવું નથી. હું પ્રેમ લગ્નની જરાય વિરોધી નથી, પરંતુ યુવાનો જ્યાં સુધી આર્થિક રીતે સક્ષમ કે આત્મનિર્ભર ન બને ત્યાં સુધી તેમણે લગ્ન ન કરવા જોઈએ અને ઉતાવળમાં કોઈ ખોટું પગલું ન ભરવું જોઈએ.

 

આ દીક્ષાંત સમારોહ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલે કોલેજો અને યુનિવર્સિટીઓમાં થતા સરકારી નિર્માણ કાર્યોની નબળી ડિઝાઈન અને તેની ઉપયોગિતા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે શૈક્ષણિક સંસ્થાઓમાં થતા બાંધકામોની આકરી આલોચના કરતા જણાવ્યું હતું કે, અહીં થતા નિર્માણ કાર્યો જોઈને ભારે નિરાશા થાય છે. રૂમમાં લાઈટ ચાલુ કરવાનું બોર્ડ છેક વચ્ચે લગાવેલું હોય છે. આ સિવાય આંગણવાડી કેન્દ્રોમાં પીવાના પાણીના નળ એટલા ઊંચા રાખવામાં આવે છે કે નાના બાળકો ત્યાં સુધી પહોંચી જ શકતા નથી. શૌચાલયોની ઊંચાઈ પણ બાળકોની પહોંચ બહાર હોય છે.

 

આ અસુવિધાઓ અંગે નારાજગી વ્યક્ત કરીને તેમણે યુનિવર્સિટી પ્રશાસનને કડક શબ્દોમાં આદેશ આપ્યા હતા કે ભવિષ્યમાં કોઈપણ બાંધકામ કરતી વખતે તેની ગુણવત્તાની સાથે સાથે તે કેટલું ઉપયોગી નીવડશે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેતા યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ મોર્ડન કિચન બનાવવાનો અને તમામ વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણી માટે આરઓ (RO) પ્લાન્ટ તાત્કાલિક ધોરણે લગાવવાનો વહીવટી તંત્રને હુકમ કર્યો છે.

(1:27 PM IST)