<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

રવિવારે યુએસનું અત્યાધુનિક એફ-૩૫ ફાઈટર જેટ ઓમાનના અખાત ઉપર હવામાં કટોકટી જાહેર કરી યુએઈ નજીકથી, રડારમાંથી ગાયબ: રડાર પરથી ગાયબ થતા પહેલા તેની ઊંચાઈમાં સતત ઘટાડો નોંધાયો હતો

અમેરિકન એફ-૩૫ વિમાને ૭૭૦૦ ઇમરજન્સી કોડ મોકલ્યો: યુએઈના અલ ધફરા એરબેઝ તરફ માર્ગ બદલ્યો, વૈશ્વિક મીડિયામાં ભારે ચર્ચા: મોડેથી આ વિમાને યુએઈમાં આવેલા અલ ધફરા એરબેઝ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હોવાના અહેવાલ

વોશિંગ્ટન: રવિવારે અમેરિકી વાયુસેનાના એક એફ-૩૫ લાઈટનિંગ-ટુ ફાઈટર જેટે ઓમાનના અખાત ઉપર ઉડાન ભરતી વખતે અચાનક હવામાં કટોકટી જાહેર કરી હતી. આ વિમાને આંતરરાષ્ટ્રીય કટોકટીનો કોડ ૭૭૦૦ મોકલ્યો હતો અને ત્યારબાદ તે સંયુક્ત આરબ અમીરાત તરફ વળી ગયું હતું. અહેવાલો મુજબ, રડાર પરથી ગાયબ થતા પહેલા તેની ઊંચાઈમાં સતત ઘટાડો નોંધાયો હતો. આ ઘટના પછી અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, અમેરિકી વાયુસેનાના અત્યાધુનિક ફાઈટર જેટ એફ-૩૫માં મધ્ય-હવામાં મોટી ખામી સર્જાઈ હોવાની ઘટના બની છે. રવિવારે સવારે જ્યારે આ લોકહીડ માર્ટિન એફ-૩૫ લાઈટનિંગ-ટુ ફાઈટર જેટ ઓમાનના અખાત અને હોર્મુઝની સામુદ્રધુની ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાયલોટે ૭૭૦૦ સ્ક્વોક કોડ મોકલ્યો હતો. ઉડ્ડયન ક્ષેત્રમાં આ કોડનો અર્થ યાંત્રિક ખામી કે અન્ય ગંભીર કટોકટીની સ્થિતિ થાય છે.

ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, કટોકટીનો સંકેત આપ્યા પછી તરત જ વિમાને પોતાનો નિર્ધારિત માર્ગ બદલી નાખ્યો હતો અને તે સંયુક્ત આરબ અમીરાતની હવાઈ હદ તરફ આગળ વધ્યું હતું. આ સમય દરમિયાન વિમાનની ઊંચાઈ સતત ઘટી રહી હોવાનું રડારમાં જોવા મળ્યું હતું. મીડિયા અહેવાલો સૂચવે છે કે આ વિમાને ત્યારબાદ યુએઈમાં આવેલા અલ ધફરા એરબેઝ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, ૨૪ કલાકથી ઓછા સમયમાં આ જ વિસ્તારમાં અન્ય એક અમેરિકન એફ-૩૫ વિમાને પણ આવી જ રીતે કટોકટી જાહેર કરી હતી.

વર્તમાન સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અને તાજેતરમાં દરિયાઈ વિસ્તારમાં થયેલી અથડામણોને કારણે આ ઘટનાને વૈશ્વિક સ્તરે ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. 

જોકે, નિષ્ણાતોના મતે ૭૭૦૦ કોડનો અર્થ હુમલો જ નથી થતો, તે યાંત્રિક કે તકનીકી ખામી પણ હોઈ શકે છે. મોડી રાત્રી સુધી અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ કે વાયુસેના દ્વારા આ વિમાન ક્યાંથી ઉડ્યું હતું અને તેમાં ચોક્કસ શું ખામી સર્જાઈ હતી તે અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. *

(12:38 AM IST)