<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

અમેરિકાનો ચીન પર 'ડોલર એટેક': ઈરાની તેલના ખેલમાં સામેલ બેંકો પર પ્રતિબંધોની તલવાર

ચીનની 'ટીપોટ' રિફાઇનરીઓ દ્વારા થતા અબજો ડોલરના ઈરાની તેલ વેપારને રોકવા ટ્રમ્પ વહીવટીતંત્રનો આક્રમક પ્લાન: વૈશ્વિક બેંકિંગ સિસ્ટમ માટે રેડ એલર્ટ

વોશિંગ્ટન:  અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં વરતાઈ રહેલી ગરમાગરમી હવે ચીની બેંકો સુધી પહોંચી ગઈ છે. અમેરિકી ટ્રેઝરી વિભાગના ફોરેન એસેટ કંટ્રોલ ઓફિસે એક કડક ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે ચીનની જે બેંકો ઈરાની તેલના નાણાકીય વ્યવહારોમાં મદદ કરી રહી છે, તેમના પર ગૌણ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. ખાસ કરીને ચીનના શેનડોંગ પ્રાંતમાં કાર્યરત નાની અને સ્વતંત્ર 'ટીપોટ' રિફાઇનરીઓ અમેરિકાના રડાર પર છે, જે ઈરાનના કુલ તેલ નિકાસનો લગભગ 90 ટકા હિસ્સો ખરીદે છે. અમેરિકાનો દાવો છે કે આ તેલના વેપારથી થતી કમાણીનો ઉપયોગ ઈરાન તેના સૈન્ય અને હથિયારોના ભંડોળ માટે કરી રહ્યું છે.

આર્થિક ભીંસ વધારવા માટે અમેરિકાએ હવે ચીની સંસ્થાઓ દ્વારા થતા ડોલર-આધારિત વ્યવહારો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ અનુસાર, ઘણી ચીની કંપનીઓ ઈરાની તેલની ચૂકવણી માટે હજુ પણ અમેરિકન નાણાકીય પ્રણાલીનો ઉપયોગ કરી રહી છે. OFAC એ વૈશ્વિક બેંકોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ ઈરાન સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારો રોકવા માટે 'રિસ્ક-બેઝ્ડ' સિસ્ટમ લાગુ કરે. જો કોઈ બેંક આ ચેતવણીને અવગણશે, તો તેને અમેરિકાની નાણાકીય સિસ્ટમમાંથી બહાર કરી દેવાની અથવા તેના પર ભારે દંડ લાદવાની કાર્યવાહી થઈ શકે છે, જે વૈશ્વિક બેંકિંગ ક્ષેત્રે મોટો ભૂકંપ લાવી શકે છે.

આ રમત માત્ર કાગળ પર નથી, પરંતુ દરિયામાં પણ રમાઈ રહી છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે ઈરાન અને ચીન વચ્ચેના આ વેપારને છુપાવવા માટે 'શેડો ફ્લીટ્સ' એટલે કે ગુપ્ત જહાજોના કાફલાનો ઉપયોગ થાય છે. આ જહાજો સમુદ્રની વચ્ચે પોતાની ઓળખ છુપાવીને એક જહાજમાંથી બીજા જહાજમાં તેલ ટ્રાન્સફર કરે છે અને નકલી દસ્તાવેજો બનાવીને પ્રતિબંધોમાંથી બચવાનો પ્રયાસ કરે છે. માર્ચ 2025 સુધીમાં ઘણી વધુ ચીની રિફાઇનરીઓ પર પ્રતિબંધો લાદવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પગલાથી આગામી સમયમાં ભારત સહિતના એશિયન દેશોના ઉર્જા બજાર અને તેલના ભાવ પર કેવી અસર પડશે, તે જોવું મહત્વનું રહેશે.

(10:59 PM IST)