તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
અમેરિકી શેરબજારમાં તેજીનો તરખાટ : કોર્પોરેટ પરિણામો અને ઈરાન સાથે શાંતિ મંત્રણાના અહેવાલો વચ્ચે S&P 500 અને Nasdaq રેકોર્ડ ઊંચાઈએ
આઈફોન ૧૭ની મજબૂત માંગથી એપલના શેરમાં ૪.૮ ટકાનો ઉછાળો, જ્યારે આઈટી સેક્ટરમાં ૧.૬ ટકાની તેજી : મે મહિનામાં ઐતિહાસિક રીતે બજાર નબળું રહેવાની ભીતિ છતાં રોકાણકારોમાં ભારે ઉત્સાહ

ન્યૂયોર્ક: શનિવાર, ૨ મે ૨૦૨૬ : અમેરિકી શેરબજારમાં શુક્રવારે જોરદાર લેવાલી જોવા મળી હતી, જેના પગલે મુખ્ય સૂચકાંકો S&P 500 અને Nasdaq Composite એ રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો હતો. મજબૂત કોર્પોરેટ પરિણામો અને ફુગાવાના જોખમોને બાજુ પર રાખીને રોકાણકારોએ ટેક શેરોમાં ભારે ખરીદી કરી હતી. આ તેજીને કારણે વર્ષ ૨૦૨૪ પછીનો સૌથી લાંબો સાપ્તાહિક ઉછાળો નોંધાયો હતો. ખાસ કરીને ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને વાતચીત માટે નવો પ્રસ્તાવ મોકલ્યો હોવાના અહેવાલોએ બજારના સેન્ટિમેન્ટને વધુ મજબૂતી આપી હતી.
બજારની સ્થિતિ અને સેક્ટર વાઈઝ ઉછાળો:
કારોબાર દરમિયાન ટેક-હેવી નાસ્ડેકમાં ૧ ટકા અને એસએન્ડપી ૫૦૦માં અડધા ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. નાસ્ડેક ૨૫૨૨૩ અને એસએન્ડપી ૫૦૦ ૭૨૭૨.૫ ના ઐતિહાસિક રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. બીજી તરફ, ડાઉ જોન્સ ૪૯૯૮૮ની ઊંચાઈએ પહોંચ્યો હતો. એસએન્ડપીના ૧૧ સેક્ટરોમાંથી ૬ સેક્ટર લીલા નિશાનમાં બંધ રહ્યા હતા, જેમાં આઈટી સેક્ટરે ૧.૬ ટકાના વધારા સાથે આગેવાની લીધી હતી. આઈફોન ૧૭ની જબરદસ્ત માંગની અપેક્ષાએ એપલના શેરમાં ૪.૮ ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો.
કંપનીઓના શાનદાર પરિણામોની અસર:
વિશ્લેષકોના મતે એસએન્ડપી ૫૦૦ની પ્રથમ ક્વાર્ટરની આવક વૃદ્ધિ દર ૨૭.૮ ટકા સુધી પહોંચી શકે છે, જે ૨૦૨૧ પછીની સૌથી ઝડપી વૃદ્ધિ હશે. અગાઉ આ અંદાજ માત્ર ૧૬.૧ ટકા હતો, પરંતુ મોટી ટેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામોએ અર્થતંત્રમાં તેજીના સંકેત આપ્યા છે. આ આર્થિક આંકડાઓએ રોકાણકારોનો ભરોસો વધાર્યો છે.
શું મે મહિનામાં તેજી ટકશે?
હવે બજારની નજર મે મહિના પર છે, કારણ કે ઐતિહાસિક રીતે મે થી ઓક્ટોબર સુધીનો સમયગાળો બજાર માટે નબળો માનવામાં આવે છે. ૧૯૪૫ થી એપ્રિલ ૨૦૨૬ સુધીના આંકડા મુજબ આ સમયગાળામાં એસએન્ડપી ૫૦૦ સરેરાશ ૨ ટકા વળતર આપે છે, જ્યારે નવેમ્બર થી એપ્રિલ વચ્ચે ૭ ટકાની તેજી રહે છે. જોકે, છેલ્લા એક દાયકામાં આ વલણ બદલાયું હોવાથી 'સેલ ઇન મે એન્ડ ગો અવે' જેવી જૂની વ્યૂહરચના હવે જોખમી માનવામાં આવે છે. હાલમાં રોકાણકારો વૈશ્વિક રાજકીય ગતિવિધિઓ અને વ્યાજ દરોના સંકેતો પર નજર રાખી રહ્યા છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
