News of Wednesday, 25th November 2026
અમેરિકાની જાસૂસ એજન્સી CIA પર સાયબર હુમલો
ગુપ્તચર નેટવર્કમાં ખળભળાટ, FBI પણ ટાર્ગેટ પર

વોશીંગ્ટન તા.૨૫: અમેરિકામાં સરકારી વિભાગો પર સતત સાયબર હુમલા થઈ રહ્યા છે. FBI અને કૃષિ વિભાગ પર સાયબર હુમલાના સમાચાર તાજેતરમાં સામે આવ્યા હતા. હવે હેકર્સે સીધી અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAની એક સિસ્ટમમાં ઘૂસણખોરી કરી છે. સરખામણી કરીને સમજીએ તો ભારતમાં જેવી રો (RAW) છે, તેવી જ અમેરિકામાં CIA છે. CIAની જે સિસ્ટમ પર હુમલો થયો છે, તેમાં સોશિયલ મીડિયા પોસ્ટ, સેટેલાઇટ તસવીરો અને ઇન્ટરનેટ પર પહેલેથી ઉપલબ્ધ અન્ય માહિતીઓ એકઠી કરવામાં આવતી હતી. આ માહિતીનો ઉપયોગ દુનિયાના અલગ-અલગ ભાગોમાં સંભવિત જોખમો સમજવા અને ગુપ્તચર એજન્સીઓને મદદ કરવા માટે કરવામાં આવતો હતો. આ સાયબર હુમલાની અસર અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરની ઓફિસ (ODNI) પર પણ પડી છે.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ ઘટનાએ અમેરિકાના ગુપ્તચર નેટવર્કની સુરક્ષાને લઈને નવા સવાલો ઊભા કર્યા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે સાયબર હુમલો કોણે કર્યો, હુમલાખોરોને સિસ્ટમનો એક્સેસ કેટલા સમય સુધી મળ્યો અને કઈ-કઈ માહિતી લીક થઈ છે. ODNI એક અધિકારીએ ડેઇલી મેઇલને જણાવ્યું કે આ ઘટનાથી જરૂરી ક્ષમતાઓ અથવા ગુપ્ત સિસ્ટમની કામગીરી પર કોઈ અસર થઈ નથી. એટલે કે અત્યાર સુધી કોઈ સંવેદનશીલ કે ક્લાસિફાઇડ સિસ્ટમ પ્રભાવિત થઈ હોવાની પુષ્ટિ થઈ નથી.
જે સિસ્ટમમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી, તેનું કામ જાહેરમાં ઉપલબ્ધ માહિતીઓ એકઠી કરવાનું અને તેનું વિશ્લેષણ કરવાનું હતું. તેમાં સોશિયલ મીડિયા પોસ્ટ, સેટેલાઇટ તસવીરો અને અન્ય ઓપન સોર્સમાંથી મળતી માહિતીનો સમાવેશ થતો હતો. ગુપ્તચર એજન્સીઓ આવી માહિતીઓના આધારે દુનિયાના અલગ-અલગ ભાગોમાં થઈ રહેલી ગતિવિધિઓ પર નજર રાખે છે. તેનાથી તેમને સંભવિત જોખમોની ઓળખ કરવામાં અને કોઈ ઘટનાના સંકેતો સમજવામાં મદદ મળે છે.
ભલે આ સિસ્ટમમાં રહેલી માહિતી ગુપ્ત ન હતી, પરંતુ તે ખોટા હાથોમાં પહોંચી જવાથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે છે. તેનું કારણ એ છે કે અલગ-અલગ જાહેર માહિતીઓને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે એવી બાબતો સામે આવી શકે છે, જે કોઈ એક માહિતીને અલગથી જોવાથી સમજાતી નથી. હાલમાં તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરોએ કઈ-કઈ માહિતી સુધી પહોંચ મેળવી હતી.
અમેરિકામાં આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે FBI અને કૃષિ વિભાગ પણ સાયબર સુરક્ષા સંબંધિત ઘટનાઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં FBI ના નેશનલ ક્રાઇમ ઇન્ફોર્મેશન સેન્ટર (NCIC)માં પણ ઘૂસણખોરીની ઘટના સામે આવી હતી. આ એક રાષ્ટ્રીય ડેટાબેઝ છે, જેનો ઉપયોગ દેશની સ્થાનિક, રાજ્ય અને સંઘીય કાયદા અમલીકરણ એજન્સીઓ કરે છે. તેના દ્વારા વોન્ટેડ ગુનેગારો, ગુમ થયેલા લોકો અને ચોરીની મિલકત સંબંધિત માહિતીની આપ-લે કરવામાં આવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ફોક્સ ન્યૂઝ સાથે ફોન પર વાતચીત દરમિયાન આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું, હું એટલું જ કહીશ કે આ સારું નથી. મને આ પસંદ નથી. FBI આ મામલાની તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ઘૂસણખોરીમાં કેટલી માહિતી પ્રભાવિત થઈ અને તેની પાછળ કોણ હતું.
અમેરિકાના કૃષિ વિભાગે પણ ગયા સોમવારે સાયબર સુરક્ષા સંબંધિત એક ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ વિભાગની કેટલીક આંતરિક એપ્સને અસ્થાયી રૂપે બંધ કરવી પડી હતી. બીજી તરફ, ગયા અઠવાડિયે નેશનલ સિક્યોરિટી એજન્સી (ફલ્ખ્)ના આંતરિક ગુપ્ત નેટવર્કમાં પણ કેટલાક દિવસો સુધી ટેકનિકલ સમસ્યા રહી હતી. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ સમસ્યા કોઈ સાયબર હુમલાને કારણે ઊભી થઈ નહોતી.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
