News of Monday, 7th September 2026
૯ મહિના સમુદ્રમાં વિતાવ્યા બાદ થાઇલેન્ડમાં અમેરિકી સેલર્સની ધમાલ: ૫,૦૦૦ સૈનિકોએ પટાયાની ફેમસ નાઇટલાઇફ અને સ્થાનિક ટુરિઝમની માણી ભરપૂર મજા, વીડિયો વાયરલ
યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયરના સેલર્સે પાંચ દિવસની રજા દરમિયાન હાથીઓ સાથે સ્નાન કર્યું અને પટાયાના કલરફુલ ક્લબ્સમાં ડાન્સ કર્યો; સ્થાનિક વેપારીઓએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત

પટાયા, તા.૦૭: સતત નવ મહિના સુધી સમુદ્રની વચ્ચે તૈનાત રહ્યા બાદ આખરે રજા મળતાં જ અમેરિકી નૌકાદળના સૈનિકોએ થાઇલેન્ડના વિશ્વપ્રસિદ્ધ ટુરિસ્ટ સ્પોટ પટાયા ખાતે ભારે ધમાલ મચાવી હતી. યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઇક ગ્રુપના અંદાજે ૫,૦૦૦ જેટલા સેલર્સ અને મરીન્સને થાઇલેન્ડમાં પાંચ દિવસની ખાસ રજા (Port Visit) આપવામાં આવી હતી. આ દરમિયાન સૈનિકોએ નાઇટ ક્લબ્સ, સોઇ-૬ જેવા ચર્ચિત વિસ્તારો અને સ્થાનિક પર્યટન સ્થળો પર જઈને મુક્તપણે પોતાની રજાઓનો આનંદ માણ્યો હતો, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રજા દરમિયાન સૈનિકોની અનોખી પ્રવૃત્તિઓના અનેક રસપ્રદ દ્રશ્યો સામે આવ્યા છે. વાયરલ થયેલા એક વીડિયોમાં લગભગ ૨૦ જેટલા સૈનિકો હાથીઓના સંવર્ધન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હાથીઓને પ્રેમથી ખોરાક ખવડાવ્યો હતો અને તેમની સાથે પાણીમાં ન્હાઈને થાઇલેન્ડની ગરમીથી રાહત મેળવી હતી. આ ઉપરાંત, રાત્રિના સમયે પટાયાની રંગીન નાઇટલાઇફમાં સૈનિકોની ભારે ચહલપહલ જોવા મળી હતી. વિવિધ ક્લબ્સમાં મ્યુઝિકના તાલે ડાન્સ કરતા અને સ્થાનિક રેસ્ટોરન્ટ્સમાં મિત્રો સાથે સમય વિતાવતા સૈનિકોથી પટાયાની શેરીઓ ધમધમી ઉઠી હતી.
અહેવાલો મુજબ, ૦૨ સપ્ટેમ્બરના રોજ નિમિત્ઝ-ક્લાસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન થાઇલેન્ડના લાએમ છાબાંગ બંદર પર લંગારાયું હતું. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પણ આ અમેરિકી સૈનિકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, કારણ કે તેમના આગમનથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને મોટો આર્થિક ટેકો મળ્યો હતો. કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન ડેન કીલરે થાઈલેન્ડના લોકોનો તેમના આતિથ્ય સત્કાર બદલ આભાર માન્યો હતો. ૦૬ સપ્ટેમ્બરના રોજ પાંચ દિવસીય રજા પૂર્ણ થતાં તમામ સૈનિકો શિસ્તબદ્ધ રીતે જહાજ પર પરત ફર્યા હતા અને આ વિશાળ એરક્રાફ્ટ કેરિયર સ્વદેશ તરફ રવાના થઈ ગયું હતું.
આટલી લાંબી અને કઠિન લશ્કરી ફરજ બાદ સૈનિકો માટે આવી કલરફુલ અને તણાવમુક્ત રજાઓ અનિવાર્ય છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
