તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
અમેરિકામાં H-1B વિઝા લંબાવવાના નિયમોમાં મોટા ફેરફારનો પ્રસ્તાવ: ૨ લાખથી વધુ વિદેશી કામદારોની મુશ્કેલીઓ વધવાની ભીતિ
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ અગાઉની મંજૂરીને માન્યતા આપતો નિયમ હટાવવા તૈયારી શરૂ કરી, વિઝા એક્સટેન્શનની પ્રક્રિયામાં કડક તપાસ અને વિલંબ થવાની સંભાવના

વોશિંગ્ટન : અમેરિકામાં કામ કરતા હજારો વિદેશી વ્યાવસાયિકો અને ખાસ કરીને ભારતીય આઈટી કર્મચારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા H-1B સહિતના વિવિધ વર્ક વિઝા લંબાવવાની પ્રક્રિયામાં વધુ કડક તપાસ કરવાનો નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ નવા પ્રસ્તાવ હેઠળ 'યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ' (USCIS) માટે સમાન કંપની અને સમાન હોદ્દા પર કામ કરતા કર્મચારીની વિઝા એક્સટેન્શન અરજી વખતે અગાઉ અપાયેલી મંજૂરીને આપોઆપ મહત્વ આપવાનો નિયમ દૂર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ઇમિગ્રેશન નિષ્ણાતોના અંદાજ મુજબ, જો આ નિયમ અમલમાં આવશે તો વાર્ષિક ધોરણે આશરે ૨,૦૮,૪૨૯ જેટલી અરજીઓ પ્રભાવિત થઈ શકે છે, જેમાં H-1B ઉપરાંત L-1, O-1, TN અને E શ્રેણીના વિઝા ધારકોનો પણ સમાવેશ થાય છે.
વહીવટી તંત્રની દલીલ છે કે હાલની નીતિને કારણે પુરાવા રજૂ કરવાની જવાબદારી નોકરીદાતાઓ પરથી ખસીને અધિકારીઓ પર આવી જાય છે, તેથી હવે અધિકારીઓને દરેક એક્સટેન્શન અરજીનું સ્વતંત્ર રીતે પુનર્મૂલ્યાંકન કરવાની અને વધારાના પુરાવા (RFE) માંગવાની સંપૂર્ણ છૂટ મળવી જોઈએ.
આ ફેરફારને કારણે દર વર્ષે અંદાજે ૬,૦૪૪ જેટલી વધારાની પુરાવા વિનંતીઓ જનરેટ થઈ શકે છે, જેના પરિણામે વિઝા મંજૂરીની પ્રક્રિયામાં લાંબો વિલંબ થશે અને કર્મચારીઓના વિદેશ પ્રવાસ તેમજ સ્ટેમ્પિંગના આયોજનોમાં ભારે અનિશ્ચિતતા ઊભી થશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૪માં રજૂ થયેલી આ નીતિને અગાઉ ૨૦૧૭માં રદ કરીને ૨૦૨૧માં ફરી લાગુ કરવામાં આવી હતી, ત્યારે હાલ આ પ્રસ્તાવ પર ૧૩ નવેમ્બર સુધી જાહેર મંતવ્યો મંગાવવામાં આવ્યા છે અને અંતિમ નિયમ જાહેર ન થાય ત્યાં સુધી જૂની વ્યવસ્થા યથાવત રહેશે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
