<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

હોર્મુઝની ખાડી પર ૨૦ ટકા ફી વસૂલવાની યોજના મોકૂફ રાખતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ : ખાડી દેશો સાથે મોટા રોકાણ અને વ્યાપારિક કરારો કરવા લીધો યુ-ટર્ન

મિડલ ઈસ્ટના નેતાઓ સાથેની ફળદાયી ચર્ચા બાદ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય : ઈરાનના જહાજો સિવાય વૈશ્વિક શિપિંગ માટે હોર્મુઝ ખાડી ખુલ્લી હોવાની જાહેરાત વચ્ચે ઈરાનની સખત ચેતવણી

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા તમામ કાર્ગો પર ૨૦ ટકા રિઇમ્બર્સમેન્ટ ફી વસૂલવાની પોતાની દરખાસ્ત રજૂ કર્યાના માત્ર એક જ દિવસમાં મોટો યુ-ટર્ન લીધો છે. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ખાડી દેશો (ગલ્ફ સ્ટેટ્સ) હવે અમેરિકામાં મોટા પાયે વ્યાપારિક અને મૂડીરોકાણની પ્રતિબદ્ધતાઓ કરશે અને તેના બદલામાં આ ૨૦ ટકા ફીની યોજનાને મોકૂફ રાખવામાં આવી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઇરાન સાથે જોડાયેલા જહાજો સિવાય હોર્મુઝની ખાડી હવે વૈશ્વિક શિપિંગ માટે સંપૂર્ણપણે ખુલ્લી છે. આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને સુરક્ષિત રાખવા બદલ તેમણે અમેરિકી સેનાની પીઠ થાબડી હતી.

 

 અમેરિકામાં મોટા પાયે ફેક્ટરીઓ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થપાશે - ટ્રમ્પ:

પોતાની યોજનામાં ફેરફારની જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું હતું કે, "મિડલ ઈસ્ટના નેતૃત્વ સાથે અત્યંત ઉત્પાદક અને ફળદાયી વાતચીતના આધારે, મેં ૨૦ ટકા યુનાઇટેડ સ્ટેટ્સ રિઇમ્બર્સમેન્ટ ફીના સ્થાને ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ ડીલ્સ (વ્યાપાર અને રોકાણ કરારો) કરવાનો નિર્ણય કર્યો છે, જે વિવિધ ખાડી દેશો અમેરિકામાં કરશે." તેમણે દાવો કર્યો હતો કે આ રોકાણ અત્યંત વિશાળ હશે, જે અમેરિકા અને ખાડી દેશો બંનેના ભવિષ્ય માટે અસાધારણ રીતે સારું સાબિત થશે. આ નવા કરારોને કારણે અમેરિકામાં ઐતિહાસિક સ્તરે નવી ફેક્ટરીઓ, ઉત્પાદન પ્લાન્ટ્સ અને સાધનોનું નિર્માણ થશે, જે લાખો અમેરિકનો માટે ઊંચા પગારવાળી નોકરીઓની નવી તકો ઊભી કરશે.

 

 અમેરિકી સૈન્યના વખાણ અને ઈરાન પર પૂર્ણ નાકાબંધીની જાહેરાત:

ઇરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પણ હોર્મુઝની ખાડીને ખુલ્લી રાખવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિએ સેનાની પ્રશંસા કરી હતી. તેમણે યુદ્ધ સચિવ પીટ હેગસેથ, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન ડેન કેન, સેન્ટકોમ (CENTCOM) કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપર અને સશસ્ત્ર દળોના અન્ય સભ્યોની કામગીરીને બિરદાવી હતી. આ સાથે જ ટ્રમ્પે ઇરાની શિપિંગ પર "પૂર્ણ નાકાબંધી" (FULL Blockade) લાદવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ઇરાની બંદરો પરથી આવતા-જતા અથવા ઇરાનના કાર્ગો સાથે સંબંધ ધરાવતા જહાજો પર જ આ નાકાબંધી લાગુ રહેશે. ઈરાનના નેતૃત્વ પર આકરા પ્રહારો કરતા ટ્રમ્પે આક્ષેપ કર્યો કે તે દેશને સંપૂર્ણ વિનાશના પંથે લઈ જઈ રહ્યું છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે તેહરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવા દેવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે, ૫૨,૦૦૦ પ્રદર્શનકારીઓ સહિત લાખો લોકોની હત્યા કરવાના ઈરાનના દિવસો હવે પૂરા થઈ ગયા છે.

 

 એક જ દિવસમાં અમેરિકી વિદેશ નીતિમાં મોટો ફેરફાર:

ડોનાલ્ડ ટ્રમ્પની આ નવીનતમ જાહેરાત સોમવારે તેમના દ્વારા રજૂ કરાયેલા વલણથી બિલકુલ વિપરીત છે. સોમવારે તેમણે જાહેર કર્યું હતું કે અમેરિકા હોર્મુઝની ખાડી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે અને તે 'ધ ગાર્ડિયન ઓફ ધ હોર્મુઝ સ્ટ્રેટ' તરીકે ઓળખાશે. આ સુરક્ષા પૂરી પાડવાના બદલામાં તમામ શિપિંગ કાર્ગો પર ૨૦ ટકા ફી વસૂલવામાં આવશે. ટ્રમ્પની આ સોમવારની દરખાસ્તની ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ મજાક ઉડાવતા કહ્યું હતું કે, "૨૦ ટકા અલબત્ત બહુ વધારે છે, અમે ન્યાયી રહીશું."

 

 ઈરાન દ્વારા અમેરિકાની ભૂમિકાનો સખત અસ્વીકાર અને યુદ્ધની ચેતવણી:

બીજી તરફ, ઈરાને ટ્રમ્પની દરખાસ્તોને તાત્કાલિક ફગાવી દીધી છે અને હોર્મુઝની ખાડીના સંચાલનમાં અમેરિકાની કોઈપણ ભૂમિકાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેહરાનના સર્વોચ્ચ સંયુક્ત સૈન્ય કમાન્ડે જણાવ્યું છે કે તેઓ અમેરિકી દળોને આ વ્યૂહાત્મક જળમાર્ગ પર નિયંત્રણ કે દેખરેખ રાખવાની મંજૂરી આપશે નહીં. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકી દળો ઈરાનની પરવાનગી વગર ખાડીમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેમની સામે સખત પ્રતિકાર કરવામાં આવશે. ઈરાની સૈન્યએ પ્રાદેશિક દેશોને પણ વોશિંગ્ટન સાથે સહકાર ન આપવા ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે આવી કોઈપણ પ્રવૃત્તિને "ઈરાન સામેનું યુદ્ધ" ગણવામાં આવશે. આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે ખાડી વિસ્તારમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા પરસ્પર હુમલા બાદ સૈન્ય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

(10:12 PM IST)