તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ઇરાન મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ લાલઘૂમ: જર્મન ચાન્સેલરને તતડાવી નાખ્યા
જો ઇરાન પરમાણુ હથિયાર મેળવવામાં સફળ રહેશે, તો આખી દુનિયા તેની બાનમાં મુકાઈ જશે : ઇરાનના પરમાણુ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા અભૂતપૂર્વ આકરા પગલાં તોળાઈ રહ્યાનો ટ્રમ્પનો દાવો: જર્મનીની નીતિઓની ઝાટકણી કાઢી: નવો વિવાદ છેડ્યો

બર્લિન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પર ઇરાનના પરમાણુ મુદ્દે અત્યંત આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે જર્મન ચાન્સેલરના વલણની કડક શબ્દોમાં આલોચના કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ફ્રેડરિક મર્ઝ એવું માને છે કે ઇરાન પાસે પરમાણુ હથિયાર હોય તો તેમાં તેમને કોઈ વાંધો નથી. આ બાબતે ગુસ્સો વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે જર્મન ચાન્સેલરને બિલકુલ ખબર નથી કે તેઓ શું બોલી રહ્યા છે. જો ઇરાન પરમાણુ હથિયાર મેળવવામાં સફળ રહેશે, તો આખી દુનિયા તેની બાનમાં મુકાઈ જશે તેવી ગંભીર ચેતવણી તેમણે આપી છે. આ નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
આ જ નિવેદનમાં ટ્રમ્પે એક મોટો અને સૂચક દાવો કરતા કહ્યું છે કે તેઓ અત્યારે ઇરાન સાથે એવું કંઈક કરી રહ્યા છે, જે અન્ય દેશો અથવા તો અગાઉના રાષ્ટ્રપતિઓએ ઘણા લાંબા સમય પહેલા જ કરી લેવું જોઈતું હતું.
આ શબ્દો પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે અમેરિકા ઇરાનના પરમાણુ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે કોઈ મોટી અને ગુપ્ત કાર્યવાહી કરી રહ્યું છે.
વધુમાં, ટ્રમ્પે જર્મનીની વર્તમાન સ્થિતિ પર પણ સીધો કટાક્ષ કર્યો છે. તેમણે ઉમેર્યું છે કે જર્મની અત્યારે આર્થિક અને અન્ય તમામ ક્ષેત્રોમાં આટલી ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, તેમાં કોઈ જ આશ્ચર્યની વાત નથી.
બે વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચેના આ ટકરાવથી આગામી દિવસોમાં નવા ભૌગોલિક-રાજકીય સમીકરણો રચાય તેવી પૂરી શક્યતા છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
