તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી ખુલ્લી ધમકી: 'સમય વીતી રહ્યો છે, ઝડપથી નિર્ણય લો નહીંતર નામનિશાન મિટાવી દઈશું': અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર મોટા લશ્કરી હુમલાની તૈયારી અંતિમ તબક્કામાં : ઈરાન સાથેની તમામ વાટાઘાટો નિષ્ફળ: અમેરિકા અને ઈઝરાયેલ આ અઠવાડિયે જ ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરે તેવી પ્રબળ શક્યતા: વાવાઝોડા પહેલાની શાંતિ', ગમે ત્યારે ફરી ભયાનક યુદ્ધ ફાટી નીકળી શકે છે
અમેરિકન સેના (સેન્ટ્રલ કમાન્ડ) ની આક્રમક કાર્યવાહી: ઈરાન જતા-આવતા ૮૧ જહાજોનો રસ્તો બદલાવ્યો, આદેશ ન માનનાર ૪ જહાજો પર ગોળીબાર કરી નકામા બનાવ્યા : ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં આપી ચેતવણી: 'ઝડપથી આગળ વધો, સમય બહુ કિંમતી છે : યુએઈના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો થતાં તંગદિલીમાં વધારો, ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે તાકીદની લંબાણ ભરી ટેલિફોનિક વાતચીત

ન્યૂયોર્ક/તેલઅવિવ/તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી હવે અત્યંત ગંભીર વળાંક પર પહોંચી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એક વાર સીધી અને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તેઓ ઝડપથી કોઈ ઉકેલ નહીં લાવે તો તેમનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવશે. આ સાથે જ પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાન પર મોટા લશ્કરી હુમલાની તૈયારી કરી રહ્યા છે. સામુદ્રિક સુરક્ષા મામલે પણ અમેરિકાએ ઈરાનની ઘેરાબંધી કડક કરી છે અને અત્યાર સુધીમાં ૮૧ જહાજોને રોકીને ૪ જહાજો પર આકરા પગલાં લેતા ફાયરિંગ કર્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ દ્વારા ઈરાનને અત્યાર સુધીની સૌથી આકરી ધમકી આપી છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે, "ઈરાન માટે સમય વીતી રહ્યો છે, અને તેઓએ ઝડપથી આગળ વધવું પડશે, નહીંતર તેમનું કોઈ અસ્તિત્વ બચશે નહીં. સમય બહુ જ કિંમતી છે! - પ્રેસિડેન્ટ ડીજેટી."
મળતા સત્તાવાર અહેવાલો અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલ ફરી એકવાર ઈરાન વિરુદ્ધ વ્યાપક લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની સઘન તૈયારીઓ કરી રહ્યા છે. આ ઓપરેશન આ અઠવાડિયાની શરૂઆતમાં જ હાથ ધરવામાં આવી શકે છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ અને મુખ્ય મુદ્દાઓ પર સહમતિ સાધવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને કોઈ કાયમી ઉકેલ આવવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે.
આ સાથે જ સામુદ્રિક ક્ષેત્રમાં પણ અમેરિકાએ પોતાનું વલણ અત્યંત આક્રમક બનાવ્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ઈરાનના બંદરો તરફ જતા અને ત્યાંથી આવતા જહાજો પર અમેરિકાએ કડક નાકાબંધી લાદી દીધી છે. અત્યાર સુધીમાં અમેરિકન સેનાએ ૮૧ જહાજોના રૂટ (રસ્તા) બળજબરીપૂર્વક બદલાવ્યા છે. એટલું જ નહીં, અમેરિકન સેનાના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ૪ જહાજો પર ડિસેબલિંગ ફાયરિંગ (જહાજને નિષ્ક્રિય કરતો ગોળીબાર) કરવામાં આવ્યું છે.
બીજી તરફ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના બરાકાહ પરમાણુ પાવર પ્લાન્ટ પાસે ડ્રોન હુમલો થતાં આગ ફાટી નીકળવાની ઘટના બની છે. યુએઈ દ્વારા આને 'ખતરનાક ઉશ્કેરણી' ગણાવવામાં આવી છે. આ હુમલા પાછળ ઈરાન સમર્થિત જૂથોનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ ઘટનાઓ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતર ગઈકાલે રાત્રે જ ફોન પર યુદ્ધની રણનીતિ અંગે વિસ્તૃત વાતચીત થઈ હોવાના અહેવાલો છે. આ ઉચ્ચસ્તરીય મંત્રણાઓ બાદ જ ટ્રમ્પે આ કડક ચેતવણી ઉચ્ચારી છે.
ટ્રમ્પનું આ આક્રમક નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજોની અવરજવરને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈરાને જહાજો પસાર થવા દેવા માટે લાદેલ ટોલટેક્સ ઉપરાંત ઈરાનના સમુદ્રમાંથી પસાર થઈ રહેલ ઇન્ટરનેટની લાઈનો ઉપર પણ ટોલટેક્સ લાદવા નિર્દેશ આપી દીધા છે.
આંતરરાષ્ટ્રીય રક્ષા નિષ્ણાતોનું માનવું છે કે મધ્ય પૂર્વમાં આ વાતાવરણ 'વાવાઝોડા પહેલાની શાંતિ' સમાન છે અને ગમે ત્યારે એક ભયાનક યુદ્ધ ફાટી નીકળી શકે છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
