તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
પટાયાના રેડ લાઈટ એરિયામાં યુએસ નેવીનું ઈમરજન્સી પેટ્રોલિંગ: 'USS અબ્રાહમ લિંકન' ના ખલાસીઓ માટે સોઈ ૬ અને સોઈ ૭ માં પ્રવેશ પર પ્રતિબંધ; નિયમો તોડનારાઓ પર અમેરિકી સૈન્યની ચાંપતી નજર
૪,૮૦૦થી વધુ અમેરિકી સૈનિકોના આગમનથી પટાયામાં સુરક્ષા ચુસ્ત; સૂર્યાસ્ત પછી એડલ્ટ નાઈટલાઈફ ઝોનમાં જવા પર મનાઈ, ગાંજો પિવા અને એડવેન્ચર સ્પોર્ટ્સ પર પણ લાદવામાં આવ્યો પ્રતિબંધ

બેંગકોક : થાઇલેન્ડના વિશ્વપ્રસિદ્ધ ટૂરિસ્ટ અને નાઇટલાઇફ હબ પટાયામાં અમેરિકી નૌકાદળના પરમાણુ સંચાલિત વિશાળ વિમાનવાહક જહાજ 'USS અબ્રાહમ લિંકન' ના આગમન બાદ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે. જહાજ પરથી રજા માણવા ઉતરેલા આશરે ૪,૮૩૦ જેટલા યુએસ સૈનિકો અને ખલાસીઓ કોઈ બબાલ કે વિવાદમાં ન સપડાય તે માટે યુએસ નેવીના સ્પેશિયલ પેટ્રોલિંગ ઓફિસર પોતે પટાયાના ભીડભાડવાળા એડલ્ટ નાઇટલાઇફ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા છે. લશ્કરી અમલદારોએ સેનાના જવાનો માટે પટાયાના સૌથી ચર્ચિત અને સંવેદનશીલ ગણાતા 'સોઈ ૬' અને 'સોઈ ૭' ઝોનમાં સૂર્યાસ્ત પછી પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં યુએસ નેવીના પોલિસ અધિકારીઓ પટાયાના બાર અને ક્લબ્સની ગલીઓમાંથી પસાર થઈને તપાસ કરતા નજરે પડે છે, જેથી કોઈ સૈનિક કિનારાની રજાના (Shore Leave) નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરે. બીચ રોડ નજીક આવેલા આ વિસ્તારો બપોરથી જ ગ્રાહકોથી ધમધમવા લાગે છે અને ત્યાં સેંકડો બીયર બાર આવેલા છે. જોકે, પટાયાના પ્રખ્યાત 'વોકિંગ સ્ટ્રીટ' વિસ્તારમાં યુએસ ખલાસીઓને મોડી રાત્રે ૨ વાગ્યા સુધી જવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ ક્રૂ મેમ્બર્સને સ્થાનિક સ્તરે ગાંજાનો ઉપયોગ કરવા તેમજ જેટ સ્કાયિંગ અને પેરાસેલિંગ જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, થાઈ પોલીસે પણ પટાયાના બીચફ્રન્ટ અને પ્રવાસન સ્થળો પર સુરક્ષા વધારી દીધી છે. કાયદાકીય કડકાઈના ભાગરૂપે ચલાવવામાં આવેલા એક ખાસ ઓપરેશન દરમિયાન ૨૫ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પટાયાના મેયર પોરામેટ નગામપિચેટે સ્થાનિક વેપારીઓ અને બાર ઓપરેટરોને અમેરિકી સૈનિકો પાસેથી વધુ પડતા પૈસા ન વસૂલવા અને કાયદાનું પાલન કરવા કડક ચેતવણી આપી છે. સતત મહિનાઓ સુધી દરિયામાં રહ્યા બાદ આરામ કરવા પહોંચેલા યુએસ સૈનિકોના કારણે પટાયાનું ટૂરિઝમ માર્કેટ ધમધમી ઊઠ્યું છે, પણ સાથે જ સુરક્ષા એજન્સીઓ પણ સંપૂર્ણ અલર્ટ મોડ પર છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
