તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
હુથીઓ પર હુમલા માટે બોમ્બ લોડ થયેલા યુએસ જેટ્સ તૈયાર હતા! ટ્રમ્પે છેલ્લી ઘડીએ હુમલો અટકાવ્યો: MBS ને મોટો આંચકો
સાઉદી ક્રાઉન પ્રિન્સની વિનંતી બાદ ટ્રમ્પે એરસ્ટ્રાઇકની મંજૂરી આપી પણ અંતિમ ક્ષણે પીછેહઠ કરી: રિયાધ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલા બાદ સુરક્ષા સંકટ ઘેરાયું

વોશિંગ્ટન : સાઉદી અરેબિયા દ્વારા હુથી બળવાખોરો સામે લશ્કરી મદદની વિનંતી કર્યા બાદ અમેરિકાએ યમનમાં હુથીઓના ઠેકાણાઓ પર મોટા પાયે હવાઈ હુમલા કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી. લક્ષ્યાંકો નક્કી થઈ ચૂક્યા હતા અને અમેરિકી ફાઈટર જેટ્સ પર બોમ્બ પણ લોડ કરી દેવાયા હતા. જોકે, છેલ્લી ઘડીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો નિર્ણય બદલીને હવાઈ હુમલા અટકાવી દીધા હતા. ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથેની વાતચીત બાદ આ દેશો વચ્ચે લશ્કરી સહયોગ અંગે સસ્પેન્સ સર્જાયું છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કર્યા પછી ટ્રમ્પે શરૂઆતમાં યુએસ સૈન્યને હુમલા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો હતો. રવિવાર બપોર સુધીમાં તો હુમલાના લક્ષ્યાંકોની સૂચિ મંજૂર થઈ ગઈ હતી અને જેટ્સ સજ્જ થઈ ગયા હતા. જોકે, પ્રમુખ ટ્રમ્પના મોટાભાગના નજીકના સહયોગીઓ અને સલાહકારો હુથીઓ સામેના આ યુદ્ધમાં સીધા જોડાવાનો વિરોધ કરી રહ્યા હતા. અંતે ટ્રમ્પે હુમલો રદ કર્યો હતો.
બીજી તરફ, પ્રમુખ ટ્રમ્પે એવો દાવો પણ કર્યો છે કે અમેરિકા અને હુથીઓ વચ્ચે સતત સંપર્ક જળવાયેલો છે અને હુથીઓએ યુએસ સામે લડવાની કોઈ ઈચ્છા દર્શાવી નથી. આ અગાઉ સપ્ટેમ્બરના પ્રારંભમાં આયર્લેન્ડની મુલાકાત વખતે પણ ટ્રમ્પે આવો જ દાવો કર્યો હતો.
અમેરિકી પીછેહઠ વચ્ચે હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર પોતાના હુમલા વધુ તીવ્ર બનાવ્યા છે. શનિવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી, જે સાઉદી સૂરક્ષા વ્યવસ્થા માટે મોટો પડકાર ગણાય છે. હુથીઓએ યમનમાં ઝડપી પ્રગતિ કરીને બાબ અલ-મંડેબ સ્ટ્રેટ અને લાલ સમુદ્ર વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. હુથીઓનું માનવું છે કે સામાન્ય શિપિંગ ખુલ્લું છે, પરંતુ સાઉદી જહાજો તેમના મુખ્ય નિશાન પર છે.
હુથી સંગઠનના લશ્કરી પ્રવક્તા યાહ્યા સારીના જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયાએ પણ સામે આક્રમક વલણ અપનાવતા છેલ્લા ૨૪ કલાકમાં યમનના તાઈઝ, અલ-જૌફ અને મારીબ વિસ્તારો પર F-15 અને ટાયફૂન ફાઈટર જેટ્સ વડે ૨૮ હવાઈ હુમલા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૫ ની વસંતઋતુમાં પણ અમેરિકી સૈન્યએ લાલ સમુદ્રમાં સલામત નેવિગેશન પુનઃસ્થાપિત કરવા માટે ૫૦ દિવસથી વધુ સમય સુધી ઓપરેશન ચલાવી ૧,૦૦૦ થી વધુ હુથી લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. તેમ છતાં, હુથી બળવાખોરો દ્વારા અમેરિકી ડ્રોન તોડી પાડવા અને નૌકાદળના જહાજો પર હુમલા કરવાના પ્રયાસો સતત ચાલુ રહ્યા છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
