<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

અમેરિકા-ઇઝરાયેલના મનસૂબા નિષ્ફળ: મહિનાઓના ભયંકર હુમલાઓ છતાં બચી ગયું ઈરાનનું શાસન; હવે બન્યું વધુ નિર્દય, શક્તિશાળી અને કટ્ટરપંથી!

પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના મોત બાદ પણ શાસન પલટાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો પોકળ સાબિત થયો; પશ્ચિમી દેશો સામે ઈરાન વધુ હિંમતભેર ઊભું રહેતા વૈશ્વિક સ્તરે ચિંતા વધી

તેહરાન : મધ્યપૂર્વમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વિનાશક યુદ્ધ અને સૈન્ય સંઘર્ષ વચ્ચે એક ચોંકાવનારો વૈશ્વિક ખુલાસો સામે આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ (US) અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર સતત કરવામાં આવેલા ભયંકર હવાઈ હુમલાઓ છતાં, ઈરાનનું ઇસ્લામિક શાસન તૂટવાને બદલે વધુ મજબૂત અને હિંમતવાન બનીને બહાર આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે આ હુમલાઓથી ઈરાન ઘૂંટણિયે આવી જશે, પરંતુ વર્તમાન સ્થિતિએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાનમાં "શાસન પરિવર્તન" (Regime Change) કરવાના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. લશ્કરી વિશ્લેષકોના મતે, યુદ્ધની આ ભઠ્ઠીમાં તપીને ઈરાનનું વર્તમાન નેતૃત્વ હવે પહેલા કરતાં વધુ સમજદાર, નિર્દય અને કટ્ટરપંથી બની ગયું છે.

સુપ્રીમ લીડરના મોત બાદ પતનની આશા પર ફરી વળ્યું પાણી

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલ અને યુએસ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હવાઈ હુમલા દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) આયાતુલ્લાહ અલી ખામેની માર્યા ગયા હતા. યુદ્ધની શરૂઆતમાં જ ઈરાનના આ સૌથી શક્તિશાળી પિલરના અવસાનથી અમેરિકા અને ઇઝરાયેલાવર્તૂળોમાં ભારે આશા જાગી હતી કે ૧૯૭૯ ની ઇસ્લામિક ક્રાંતિથી દેશ પર શાસન કરી રહેલી આ કટ્ટર વ્યવસ્થા હવે પતનની અણી પર ધકેલાઈ જશે. પરંતુ, તેહરાનના વર્તમાન શાસકોએ આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. તાજેતરમાં જ સ્વર્ગસ્થ ખામેનીના વિદાય સમારંભમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી, મુખ્ય ન્યાયાધીશ ગુલામ-હુસેન મોહસેની એજેઈ અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ એક મંચ પર સાથે જોવા મળ્યા હતા, જે ઈરાનની આંતરિક રાજકીય એકતા અને મજબૂતીનો મજબૂત પુરાવો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રની રણનીતિ પર આંતરરાષ્ટ્રીય સ્તરે આકરા પ્રહારો

ઈરાનની આ મજબૂત વાપસીને કારણે વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ અને યુદ્ધને હેન્ડલ કરવાની પદ્ધતિની આકરી ટીકા શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય રાજદ્વારીઓ અને વાચકો આ સમગ્ર સૈન્ય અભિયાનને અમેરિકાની એક મોટી વ્યૂહાત્મક નિષ્ફળતા તરીકે વર્ણવી રહ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસનની અસમર્થતા અને અતિ-આક્રમક રણનીતિના કારણે ઈરાન નબળું પડવાના બદલે આખા મધ્યપૂર્વમાં વધુ શક્તિશાળી અને આક્રમક પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. આ પરિણામો આગામી સમયમાં યુએસ અને તેના મિત્ર દેશ ઇઝરાયેલ માટે વધુ ગંભીર અને નકારાત્મક સુરક્ષા પડકારો ઊભા કરી શકે છે, જેણે સમગ્ર વિશ્વને એક મોટા પરમાણુ અને લશ્કરી સંકટ તરફ ધકેલી દીધું છે.

(11:27 PM IST)