તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણામાં ફરી ગતિરોધ : ઈરાનના નવા પ્રસ્તાવથી ડોનાલ્ડ ટ્રમ્પ અસંતુષ્ટ, સોદો થવા અંગે આશંકા વ્યક્ત કરી
પાકિસ્તાનની મધ્યસ્થી છતાં પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ છોડવા તેહરાન તૈયાર નથી : ઈસ્લામાબાદમાં યોજાનારી બીજા રાઉન્ડની વાતચીત રદ થયા બાદ ટ્રમ્પે પોતાના સલાહકારોનો પ્રવાસ પણ સ્થગિત કર્યો

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. ઈરાને વાટાઘાટો માટે મોકલેલા તાજેતરના પ્રસ્તાવ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેમને હવે કોઈ પણ પ્રકારનો સોદો થશે કે કેમ તે અંગે શંકા છે. આ નિવેદન સાથે જ ખાડી દેશોમાં શાંતિ સ્થાપવા માટે ચાલી રહેલી મડાગાંઠ ઉકેલાવાની આશાઓ પર ફરી વળ્યું છે.
ટેલિફોનિક વાતચીત બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા:
પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી તરીકે રજૂ કરાયેલા ઈરાનના નવા પ્રસ્તાવ પર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં અત્યારે જ ઈરાન સાથે વાતચીત કરી છે પરંતુ હું આ પ્રસ્તાવથી ખુશ નથી. ઈરાને પ્રગતિ કરી છે પરંતુ તે પૂરતી નથી. જોકે આ પ્રસ્તાવની વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાન પોતાના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને પડતા મૂકવા તૈયાર નથી. બીજી તરફ, ટ્રમ્પ ઈચ્છે છે કે ડ્રાફ્ટમાં પરમાણુ મુદ્દાનો ફરીથી સમાવેશ કરવામાં આવે અને ઈરાન તેના બોમ્બમારો પામેલા પરમાણુ પ્લાન્ટમાંથી યુરેનિયમ બહાર ન ખસેડવા અથવા ત્યાં ફરી પ્રવૃત્તિ શરૂ ન કરવા માટે વચન આપે.
ઈસ્લામાબાદની મંત્રણા રદ અને રાજદ્વારી તણાવ:
ઈસ્લામાબાદમાં યોજાનારી બીજા રાઉન્ડની બેઠકમાં ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી એકલા હાજર રહ્યા હતા અને સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફ બેઠકમાં હાજર ન રહેતા મંત્રણા રદ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સલાહકાર જેરેડ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફનો ઈસ્લામાબાદનો પ્રવાસ રદ કરી દીધો છે. અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે સોદો કરવા આતુર છે, પરંતુ વર્તમાન સ્થિતિમાં તે શક્ય જણાતું નથી.
વ્હાઇટ હાઉસનું વલણ:
આ મામલે વ્હાઇટ હાઉસના પ્રવક્તા એના કેલીએ જણાવ્યું હતું કે અમે ખાનગી રાજદ્વારી વાતચીતની વિગતો આપી શકતા નથી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ સ્પષ્ટ છે કે ઈરાન કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર ધરાવી શકે નહીં. આમ, ઈરાન તરફથી અપેક્ષિત સહકાર ન મળતા મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો અત્યારે અદ્ધરતાલ જોવા મળી રહ્યા છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
