<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા: ઇસ્લામાબાદમાં 'ગ્રાન્ડ ડીલ'ની તૈયારી, શું પ્રતિબંધોની બેડીઓમાંથી મુક્ત થશે તેહરાન?

ઈરાને રજૂ કરેલો ૧૦-મુદ્દાનો પ્રસ્તાવ અને અમેરિકાની આર્થિક નાકાબંધી વચ્ચેનો જંગ: તેલ નિકાસ, બેંકિંગ ફ્રીઝ અને SWIFT નેટવર્ક પરનો પ્રતિબંધ હટાવવા માટે ઈરાનનું કડક વલણ અને મધ્ય પૂર્વના બદલાતા સમીકરણો

ઇસ્લામાબાદ:  પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અત્યારે વિશ્વના સૌથી જૂના અને જટિલ રાજકીય વિવાદના ઉકેલનું કેન્દ્ર બની છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી આ ગુપ્ત અને મહત્વપૂર્ણ શાંતિ મંત્રણાઓમાં ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેની અર્થવ્યવસ્થાને રુંધતા 'પ્રાથમિક' અને 'ગૌણ' પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ કરાર શક્ય નથી. આ પ્રતિબંધોએ ન માત્ર અમેરિકી કંપનીઓને પણ અન્ય દેશોની કંપનીઓને પણ ઈરાન સાથે વેપાર કરવા બદલ સજાની જોગવાઈ કરી છે, જેના કારણે ઈરાન વૈશ્વિક બજારથી લગભગ કપાઈ ગયું છે. તેહરાને આ મંત્રણા માટે પ્રતિબંધો હટાવવાની શરતને પૂર્વશરત ગણાવીને વોશિંગ્ટન પર દબાણ વધાર્યું છે.

મંત્રણાના કેન્દ્રમાં ઈરાનની સૌથી મોટી માગણી તેના બેંકિંગ સેક્ટર અને તેલ નિકાસ પરના નિયંત્રણો હટાવવાની છે. ઈરાન તેની સેન્ટ્રલ બેંક પરના પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય SWIFT નેટવર્ક પરના પ્રતિબંધને કારણે દુનિયા સાથે નાણાકીય વ્યવહાર કરી શકતું નથી, જે તેના અર્થતંત્ર માટે પ્રાણઘાતક સાબિત થયું છે. આ ઉપરાંત, વિદેશી બેંકોમાં ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ભંડોળને તાત્કાલિક મુક્ત કરવા અને ક્રૂડ ઓઈલ તેમજ પેટ્રોકેમિકલ ઉત્પાદનોને મુક્તપણે વેચવાની મંજૂરી મેળવવી એ ઈરાનની ટોચની પ્રાથમિકતા છે. ઈરાની વાટાઘાટકારોએ ભાર મૂક્યો છે કે આર્થિક નુકસાનનું વળતર અને ભવિષ્યમાં આવા હુમલાઓ ન થાય તેની ગેરંટી વિના શાંતિ સ્થાપવી મુશ્કેલ છે.

બીજી તરફ, આ જંગમાં માત્ર આર્થિક જ નહીં પણ વ્યૂહાત્મક મુદ્દાઓ પણ સામેલ છે. ઈરાને યુએન સુરક્ષા પરિષદના પરમાણુ-સંબંધિત પ્રતિબંધો હટાવવા અને શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમ સંવર્ધન કરવાના તેના અધિકારને માન્યતા આપવાની માંગ કરી છે. સૌથી ચોંકાવનારી માંગ મધ્ય પૂર્વમાંથી અમેરિકી સૈન્ય દળોને પાછા ખેંચવાની છે, જે અમેરિકા માટે સ્વીકારવી અત્યંત અઘરી જણાય છે. આ મંત્રણાઓ માત્ર બે દેશો વચ્ચેનો વેપાર નહીં, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં સત્તાનું સંતુલન અને ભવિષ્યની સુરક્ષા વ્યવસ્થા નક્કી કરશે. ઇસ્લામાબાદની આ બેઠક પર અત્યારે આખી દુનિયાની નજર ટકેલી છે.

(10:47 PM IST)