<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં : ફુગાવાના દબાણને કારણે દર ૩.૭૫% થી ૪% ના રેન્જમાં યથાવત રાખવામાં આવ્યા

FOMC ની બેઠકમાં ૧૦-૨ ના બહુમતથી લેવાયો નિર્ણય : ડિસેમ્બર મહિનામાં વ્યાજદરો વધવાને લઈને હજુ પણ અનિશ્ચિતતા યથાવત રહેતા વૈશ્વિક બજારોની નજર ફેડના આગામી સંકેતો પર : યુએસ ફેડના આ નિર્ણયની સીધી અસર યુએસ ડૉલર, બોન્ડ યીલ્ડ તેમજ દુનિયાભરના નાણાકીય બજારો પર પડી શકે

વાશિંગ્ટન -અમેરિકી સેન્ટ્રલ બેન્ક એવા યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન મોંઘવારી અને ફુગાવાના દબાણને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. જેના પરિણામે વ્યાજદરો અગાઉની જેમ ૩.૭૫ ટકાથી ૪ ટકાના જ દાયરામાં યથાવત રહ્યા છે. હવે રોકાણકારોની ખાસ નજર ફેડરલ રિઝર્વના આગામી પગલાં અને ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં વ્યાજદરોમાં સંભવિત વધારાને લઈને મળનારા સંકેતો પર કેન્દ્રિત થઈ છે.

ગત ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજાયેલી ફેડની બેઠકમાં આર્થિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કાચા તેલ અને ગેસની ઊંચી કિંમતોને કારણે ફુગાવા પર હજુ પણ સતત દબાણ જળવાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને જોતાં અમેરિકી કેન્દ્રીય બેન્કે ભવિષ્યમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં આગામી આર્થિક આંકડાઓનો અભ્યાસ કરવાનું યોગ્ય માન્યું છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) દ્વારા ૧૦ વિરુદ્ધ ૨ ના બહુમતથી વ્યાજદરોને વર્તમાન સ્તરે જ જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં બે સભ્યો વ્યાજદરોમાં ૦.૨૫ ટકાનો વધારો કરવાના પક્ષમાં હતા. આ મતભેદથી સ્પષ્ટ થાય છે કે બેન્કની અંદર મોંઘવારી સામે લડવાની નીતિને લઈને એકમત નથી.

અમેરિકી અર્થતંત્ર હાલ મજબૂત ગતિથી આગળ વધી રહ્યું છે અને ઘરેલુ ખર્ચ તથા રોકાણમાં પણ મજબૂતાઈ જોવા મળી રહી છે, જ્યારે રોજગારીના મોરચે ખાસ મોટો ફેરફાર નજરે પડ્યો નથી. તેમ છતાં, મોંઘવારી હજુ પણ કેન્દ્રીય બેન્કના નિર્ધારિત ૨ ટકાના લક્ષ્યાંક કરતા ઉપર ચાલી રહી છે. ફેડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી નાણાકીય નીતિ નક્કી કરવામાં નવા આંકડાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે.

આ મોટો નિર્ણય લેવાયા બાદ હવે રોકાણકારોની નજર ફેડના પ્રમુખ કેવિન વોર્શની પ્રેસ કોન્ફરન્સ અને આગામી સંકેતો પર છે. ડિસેમ્બરમાં વ્યાજદરો વધારવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. ફુગાવાના આંકડા અને દેશની બદલાતી આર્થિક પરિસ્થિતિ જ બજારની આગામી દિશા નક્કી કરશે. યુએસ ફેડના આ નિર્ણયની સીધી અસર યુએસ ડૉલર, બોન્ડ યીલ્ડ તેમજ દુનિયાભરના નાણાકીય બજારો પર પડી શકે છે. આ ઉપરાંત ભારતીય બજારમાં પણ વિદેશી રોકાણ તેમજ સોના-ચાંદીના ભાવમાં ઉતાર - ચઢાવ જોવા મળી શકે છે, જોકે વૈશ્વિક અને અન્ય આર્થિક પરિબળો પણ આ બજારોને પ્રભાવિત કરશે.

(12:17 AM IST)