તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
અમેરિકા અને ચીન વચ્ચે ‘ઓઈલ વોર’ તેજ: ઈરાન પાસેથી તેલ ખરીદવા બદલ લાદવામાં આવેલા પ્રતિબંધોને બેઇજિંગે ફગાવ્યા, ઈતિહાસમાં પહેલીવાર ‘બ્લોકિંગ ઓર્ડર’ જારી
વોશિંગ્ટનના પ્રતિબંધોને ચીને ગેરકાયદેસર ગણાવી પોતાની પાંચ રિફાઈનરીઓને રક્ષણ આપ્યું: પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ડ્રેગને અમેરિકી દબાણ સામે લાલ આંખ કરતા વૈશ્વિક વેપાર જગતમાં મચ્યો ખળભળાટ

બેઇજિંગ : અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે શનિવારે ઈરાની તેલની ખરીદી કરતી પોતાની પાંચ મોટી કંપનીઓ પર વોશિંગ્ટન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો સામે આકરો વલણ અપનાવ્યું છે. ચીને ઈતિહાસમાં પ્રથમ વખત સત્તાવાર ‘બ્લોકિંગ ઓર્ડર’ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના આ આર્થિક અવરોધો ચીની ધરતી પર માન્ય ગણાશે નહીં. બેઇજિંગના આ આક્રમક પગલાથી વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે તેલના વેપારને લઈને સીધો સંઘર્ષ છેડાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
ચીની વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકાના આ એકપક્ષીય પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે અને ચીની સાહસોને ત્રીજા દેશો સાથે મુક્ત વેપાર કરતા અટકાવે છે. બેઇજિંગે ભારપૂર્વક જણાવ્યું છે કે યુએનની અધિકૃતતા વગર લાદવામાં આવેલા આવા કોઈ પણ પ્રતિબંધોને ચીન સ્વીકારશે નહીં. આ મનાઈ હુકમ ખાસ કરીને શેનડોંગ પ્રાંતની ત્રણ મોટી પેટ્રોકેમિકલ કંપનીઓ અને હેંગલી પેટ્રોકેમિકલ જેવી દિગ્ગજ રિફાઈનરીઓને સુરક્ષા પૂરી પાડશે, જે લાંબા સમયથી ઈરાન પાસેથી રાહત દરે ક્રૂડ ઓઈલ મેળવી રહી છે.
વોશિંગ્ટને તાજેતરમાં જ ઈરાન પર દબાણ વધારવા માટે ચીની કંપનીઓ પર લાખો બેરલ તેલની આયાત કરવાનો આરોપ મૂકી પ્રતિબંધો લાદ્યા હતા. જોકે, ચીન પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે ઈરાની ક્રૂડ પર નિર્ભર છે, તેથી તેણે અમેરિકાના આ ‘આર્થિક હથિયાર’ સામે ઢાલ તૈયાર કરી લીધી છે. આ ઘટનાક્રમ બાદ વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને અમેરિકા-ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધો પર કેવી અસર પડશે તેના પર આખા વિશ્વની નજર છે. ચીનનો આ ‘બ્લોકિંગ ઓર્ડર’ સ્પષ્ટ સંકેત આપે છે કે તે હવે પોતાની આર્થિક સુરક્ષા માટે અમેરિકાના કોઈ પણ દબાણ સામે ઝૂકવા તૈયાર નથી.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
