તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
હિમાલયમાં યુરેનિયમનો ખજાનો અમેરિકાના હાથમાં? ચીનની સરહદ પાસે નેપાળનો 'ગુપ્ત' ખેલ ભારત માટે પણ ચિંતાજનક
મુસ્તાંગના લો મંથાંગમાં ૩૦ ચોરસ કિમી વિસ્તાર 'સ્પેશિયલ ઝોન' જાહેર કરવાની હિલચાલ, પેક્સ સિલિકા ગઠબંધન હેઠળ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની ટેકનિકલ ટીમને એન્ટ્રી મળવાની શક્યતા, MCC પ્રોજેક્ટ દ્વારા યુરેનિયમ પ્રોસેસિંગ માટે પાવર સપ્લાયના દાવા અને ડેટા સાર્વભૌમત્વના નામે થઈ રહેલી મોટી સોદાબાજીની અટકળો

કાઠમંડુ: ડ્રેગનની જ બગલ ગણાતા નેપાળમાં અમેરિકાની વધતી હાજરીએ એશિયાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. નેપાળના મુસ્તાંગ વિસ્તારમાં આવેલા અબજોની કિંમતના યુરેનિયમ ભંડાર પર કબજો મેળવવા માટે અમેરિકાએ કથિત રીતે મોટું જાળું બિછાવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સમીર પોલ કપૂરની ઓચિંતી નેપાળ મુલાકાત બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે નેપાળ સરકાર લો મંથાંગના ૩૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને "મુસ્તાંગ સ્પેશિયલ ઝોન" તરીકે જાહેર કરી તે અમેરિકાને સોંપી શકે છે. આ ખાણ ચીનની સરહદથી માત્ર ૧૦ કિમી દૂર હોવાથી આ મામલો અત્યંત સંવેદનશીલ બની ગયો છે.
માર્ચ ૨૦૨૬માં થયેલા ગૂપ્ત દસ્તાવેજોના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે નેપાળે 'પેક્સ સિલિકા' નામના યુએસ-નેતૃત્વ હેઠળના ગઠબંધન સાથે સૈદ્ધાંતિક સમજૂતી કરી છે. આ સમજૂતી અંતર્ગત નેપાળમાં નવા AI ડેટા સેન્ટરો સ્થાપવામાં આવશે અને તેને MCC પ્રોજેક્ટની ઉર્જા સાથે જોડવામાં આવશે. જોકે, ભૂતપૂર્વ વડાપ્રધાન સુશીલા કાર્કી અને નાણામંત્રીએ આ પ્રકારના કોઈ પણ સત્તાવાર કરારનો ઈનકાર કર્યો છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ પ્રોજેક્ટ ચીનના વર્ચસ્વને તોડવા માટે અમેરિકાનું વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.
યુરેનિયમનો આ ભંડાર ૧૦ કિમી લાંબો અને ૩ કિમી પહોળો હોવાનું મનાય છે, જે મધ્યમ ગ્રેડનું યુરેનિયમ હોવાથી તે વ્યૂહાત્મક દ્રષ્ટિએ સોનાની ખાણ સમાન છે. નેપાળ પાસે અત્યાધુનિક ટેકનોલોજી અને ભંડોળનો અભાવ હોવાથી તેણે વિદેશી એજન્સીઓની મદદ લેવી અનિવાર્ય છે. જો નેપાળમાં અમેરિકી અને ઓસ્ટ્રેલિયન ટેકનિકલ ટીમનો પગપેસારો થશે, તો ચીન અને ભારત બંને દેશો માટે સુરક્ષાના પ્રશ્નો ઉભા થઈ શકે છે. હાલમાં આ મુદ્દે નેપાળના રાજકારણમાં ભારે હોબાળો મચ્યો છે અને સત્તાવાર જાહેરાત પહેલા જ અફવાઓનું બજાર ગરમ બન્યું છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
