તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસી અંગે યુકેમાં ખળભળાટ: ૬ સાંસદોએ વિદેશ સચિવને પત્ર લખી સુરક્ષા અને ન્યાયી સુનાવણીની કરી માગ
બાંગ્લાદેશમાં રાજકીય બદલાની કાર્યવાહી રોકવા અને પૂર્વ વડાપ્રધાનને ફાંસીની સજા સામે રક્ષણ આપવા આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા અપીલ

લંડન : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સ્વદેશ પરત ફરવાના અહેવાલો વચ્ચે યુકેના ૬ સાંસદોના એક ક્રોસ-પાર્ટી જૂથે બ્રિટિશ વિદેશ સચિવ એડ મિલિબેન્ડને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાંસદોએ નોંધ્યું છે કે શેખ હસીનાએ ડિસેમ્બર ૨૦૨૬ ની આસપાસ પાછા ફરવાનો ઇરાદો દર્શાવ્યો છે, જોકે સમય અને વ્યવસ્થા હજુ અનિશ્ચિત છે. ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ લખાયેલા આ પત્રમાં બાંગ્લાદેશમાં ન્યાયના રાજકીયકરણનો મુદ્દો ઉઠાવીને હસીનાના વતન વાપસી પહેલા મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંકલિત રાજદ્વારી દબાણ કરવાની હાકલ કરવામાં આવી છે.
આ સંયુક્ત પત્ર પર બોબ બ્લેકમેન CBE સાંસદ, જીમ શેનન સાંસદ, સીમસ લોગન સાંસદ તેમજ ત્રણ SNP MSP: માર્ટિન ડે, પોલ મેકલેનન, એલન બ્રાઉન અને ભૂતપૂર્વ MEP ડૉ. ચાર્લ્સ ટેનોક MBE એ સહી કરી છે. હસ્તાક્ષરકર્તાઓએ પત્રમાં લખ્યું છે કે, "અમારી મુખ્ય ચિંતા એ છે કે રાજકીય સંઘર્ષને આગળ ધપાવવા માટે ફોજદારી ન્યાયનો ઉપયોગ થઈ રહ્યો છે. શેખ હસીના સામેના ગંભીર આરોપો માટે સ્વતંત્ર તપાસ અને ન્યાયી નિર્ણયની જરૂર છે અને તે બદલો લેવા કે વિરોધીઓને બાકાત રાખવાનું સાધન ન બનવો જોઈએ."
સાંસદોએ વિદેશ સચિવને ચાર પ્રાથમિકતાઓ પર પ્રયાસોનું નેતૃત્વ કરવા વિનંતી કરી છે, જેમાં ફાંસીની સજા સામે રક્ષણ, સ્વતંત્ર ચકાસણી, આંતરરાષ્ટ્રીય દેખરેખ અને રાજકીય સમાધાન માટે સમર્થન સામેલ છે. તેઓએ ખાસ કરીને સક્ષમ અધિકારીઓ તરફથી લેખિત બાંયધરી માગી છે કે હસીનાને ફાંસી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, હસીનાની ગેરહાજરીમાં સજા અને ફાંસીના નિર્ણય તેમજ હ્યુમન રાઇટ્સ વોચ દ્વારા ઉઠાવાયેલી ચિંતાઓ, જેમ કે પોતાની પસંદગીના વકીલ દ્વારા પ્રતિનિધિત્વ ન મળવું અને બાંગ્લાદેશના બંધારણની કલમ ૪૭(૩) અને ૪૭A ના પ્રતિબંધોની પણ ટીકા કરાઈ છે.
આ રાજદ્વારી રજૂઆત બાદ હવે યુકે સરકાર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો દ્વારા બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર દબાણ વધારવાના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં બાંગ્લાદેશ સરકાર યુકે સાંસદોની આ વિનંતી અને ફાંસી સામે લેખિત બાંયધરી આપવાના મુદ્દે શું વલણ અપનાવે છે તથા ડિસેમ્બર ૨૦૨૬ માં શેખ હસીનાના પ્રસ્તાવિત પુનરાગમન માટે કેવા પ્રકારની કાનૂની અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે તેના પર વૈશ્વિક સમુદાયની નજર રહેશે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
