તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
તમિલનાડુમાં સરકારી મંચ પર પ્રોટોકોલ મુદ્દે હંગામો: ત્રિચીમાં દીપ પ્રાગટ્ય વખતે TVK ધારાસભ્ય અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વચ્ચે વિવાદ થતાં વાતાવરણ ગરમાયું
સ્થાનિક ધારાસભ્ય નવલપટ્ટુ વિજીએ પ્રોટોકોલનો ભંગ થતાં સાંસદ ક્રિસ્ટોફર તિલકના હાથમાંથી મીણબત્તી પાડી દીધી: કેબિનેટ મંત્રી એસ. રમેશે મધ્યસ્થતા કરીને મામલો થાળે પાડ્યો

ત્રિચી : તમિલનાડુના ત્રિચીમાં આઈસીડીએસ (ICDS) વિભાગ દ્વારા આયોજિત રાજ્ય સ્તરના સામૂહિક સીમંત ('ગોદ ભરાઈ') કાર્યક્રમ દરમિયાન એક અણધારી ઘટના સામે આવી છે. સરકારી મંચ પર પરંપરાગત દીપ પ્રાગટ્ય દરમિયાન પ્રોટોકોલ અને પ્રાથમિકતાને લઈને તમિલગ નાગરી કઝગમ (TVK) ના ધારાસભ્ય નવલપટ્ટુ વિજી અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ક્રિસ્ટોફર તિલક વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો હતો કે ટીવીકે ધારાસભ્યએ કોંગ્રેસ સાંસદના હાથમાંથી મીણબત્તી નીચે પાડી દીધી હતી, જેના કારણે થોડીવાર માટે સ્ટેજ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
આ વિવાદની શરૂઆત કાર્યક્રમના ઉદ્ઘાટન સમયે થઈ હતી. પ્રોટોકોલ મુજબ સૌપ્રથમ તમિલનાડુના હિન્દુ ધાર્મિક અને ધર્માદા વિભાગના મંત્રી એસ. રમેશ અને ત્યારબાદ ત્રિચીના જિલ્લા કલેક્ટર પ્રતીક દયાલે દીપ પ્રગટાવ્યો હતો. ત્યારપછી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ક્રિસ્ટોફર તિલક દીપ પ્રાગટ્ય માટે આગળ વધ્યા ત્યારે તેમને દીવાને બદલે અલગથી મીણબત્તી આપવામાં આવી હતી. બીજી તરફ, સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે પ્રોટોકોલ મુજબ પહેલા તક ન મળવાને કારણે અને મંચ પરની વ્યવસ્થાથી ટીવીકેના ધારાસભ્ય નવલપટ્ટુ વિજી ભારે નારાજ થયા હતા.
જ્યારે કોંગ્રેસ સાંસદ ક્રિસ્ટોફર તિલકે મીણબત્તી વડે દીવો પ્રગટાવવાનો પ્રયાસ કર્યો અને સાથોસાથ ધારાસભ્ય તરફ મીણબત્તી લંબાવી, ત્યારે ગુસ્સે ભરાયેલા ધારાસભ્ય વિજીએ તેને સ્વીકારવાના બદલે ઝાંટકો મારીને નીચે પાડી દીધી હતી. આ ઘટનાને પગલે બંને નેતાઓ મંચ પર જ સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પ્રોટોકોલના ભંગનો આરોપ લગાવતા તીખી બોલાચાલી થઈ હતી. સરકારી અધિકારીઓ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં બનેલી આ ઘટનાથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
સ્થિતિ વધુ વણસે તે પહેલા મંચ પર હાજર રાજ્યના મંત્રી એસ. રમેશે તાત્કાલિક વચ્ચે પડીને મધ્યસ્થતા કરી હતી. તેમણે બંને રાજકીય નેતાઓને શાંત પાડ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં મામલો થાળે પડતાં સરકારી કાર્યક્રમની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો હતો.
આ ઘટના અંગે મીડિયા સાથે વાતચિત કરતા મંત્રી એસ. રમેશે વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ કેવળ પ્રોટોકોલ પાલન અંગેની ગેરસમજ હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ધારાસભ્ય માત્ર પ્રોટોકોલ મુજબ પ્રથમ દીપ પ્રગટાવવા ઈચ્છતા હતા અને રાજકીય પક્ષો વચ્ચે કોઈ મોટો મતભેદ નથી. બીજી તરફ, ડીએમકે (DMK) ના નેતાઓએ આ ઘટનાની ટીકા કરતા તેને જનપ્રતિનિધિના અપમાન સમાન ગણાવી હતી.
સરકારી કાર્યક્રમોમાં લોકપ્રતિનિધિઓ માટેના પ્રોટોકોલ અને આસન વ્યવસ્થાને લઈને અગાઉ પણ તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો વચ્ચે ખેંચતાણના કિસ્સાઓ બનતા રહ્યા છે. આ ઘટના બાદ રાજ્યના વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યમાં આયોજિત થનારા સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકોલનું કડક પાલન થાય અને કોઈપણ પ્રકારની અસવ્યવસ્થા ન સર્જાય તે માટે અધિકારીઓને વિશેષ કાળજી લેવાની સૂચના આપવામાં આવી છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
