તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, ઉદ્ધવ ઠાકરેને વધુ એક જોરદાર ઝટકો: એકનાથ શિંદેના ‘ઓપરેશન ટાઇગર’નો બીજો તબક્કો સફળ, શિવસેના (UBT) ના ૬ સાંસદો સત્તાવાર રીતે શિંદે જૂથમાં જોડાયા!
વાયુવેગે બદલાયા સમીકરણો; દિલ્હીથી ખાસ વિમાન દ્વારા મુંબઈ લાવીને છ સાંસદોને સ્ટેજ પર કરાયા હાજર, જો સ્પીકર ઓમ બિરલા લીલી ઝંડી આપશે તો લોકસભામાં NDA નો આંકડો ૨૯૪ થી વધીને ૩૦૦ ની ‘ત્રેવડી સદી’એ પહોંચશે

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ભારે સસ્પેન્સનો ગઈકાલે સોમવારે એક મોટો પ્રકરણ સમાપ્ત થયો છે. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ને વધુ એક કારમો ફટકો આપતા પક્ષના ૬ લોકસભા સાંસદો સત્તાવાર રીતે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની અસલી શિવસેનામાં જોડાઈ ગયા છે. શિંદે જૂથે આ સમગ્ર રાજકીય પક્ષપલટાને "ઓપરેશન ટાઇગર" ના સફળ બીજા તબક્કા તરીકે ગણાવ્યો છે. જૂન ૨૦૨૨ માં ૪૦ ધારાસભ્યોના ઐતિહાસિક બળવા બાદ શિંદેએ આ બીજો મોટો પ્રહાર કર્યો છે, જેને તેમણે પોતે રાજકીય પીચ પર ફટકારેલો ‘છગ્ગો’ ગણાવ્યો છે.
આરોપ-પ્રત્યારોપ અને ગુપ્ત બેઠકોના લાંબા દોર બાદ તમામ ૬ બળવાખોર સાંસદોએ દક્ષિણ મુંબઈના પ્રતિષ્ઠિત વાય.બી. ચવ્હાણ સેન્ટર ખાતે આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન શિંદે જૂથમાં જોડાવાની ઔપચારિક જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં આ સાંસદોએ સ્ટેજ પર હાથ મિલાવીને એકતા દર્શાવી હતી અને દાવો કર્યો હતો કે વિલીનીકરણ માટેની તમામ કાનૂની અને બંધારણીય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે, આ સાંસદોના પક્ષપલટા અને સભ્યપદને કાયદેસર રાખવા માટે હવે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની ઔપચારિક મંજૂરી મેળવવી બાકી છે, જેમના પત્ર પર આખરી નિર્ણય લેવાશે.
NDA ૩૦૦ ની સદી વટાવશે, પણ બંધારણીય બહુમતી હજુ ‘દૂર’
જો લોકસભા સ્પીકર ઓમ બિરલા આ પ્રસ્તાવને મંજૂરી આપી દે છે, તો કેન્દ્રની શાસક પ્રણાલી NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ને મોટી રાહત મળશે. લોકસભામાં NDA ની સંખ્યા ૨૯૪ થી વધીને ૩૦૦ ના જાદુઈ આંકડા સુધી પહોંચી જશે. જો કે, આ વધારા છતાં ગૃહમાં બંધારણીય સુધારા માટે જરૂરી એવી બે-તૃતીયાંશ બહુમતી (આશરે ૩૬૪ બેઠકો) ના આંકડાથી ભાજપ અને તેના સાથી પક્ષો હજુ પણ ઘણા દૂર રહેશે. આ વિલીનીકરણ બાદ મહારાષ્ટ્રમાં શિંદેની શિવસેનાના સાંસદોની સંખ્યા ૭ થી સીધી વધીને ૧૩ થઈ જશે, જ્યારે કોંગ્રેસ પણ ૧૩ બેઠકો સાથે બરાબરી પર છે.
દિલ્હીથી ખાસ વિમાન દ્વારા સાંસદોને લવાયા મુંબઈ, UBT નો વળતો પ્રહાર
આ ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે, સોમવારે વહેલી સવારે ચાર બળવાખોર સાંસદોને વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના બે સાંસદો પહેલેથી જ મુંબઈમાં હાજર હતા. તેઓ સીધા જ શિંદેના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. શિંદેએ આ પ્રસંગે કહ્યું કે, "આ સાંસદો કોઈ વ્યક્તિગત લોભ માટે નહીં, પણ બાળાસાહેબ ઠાકરેના વિચારો અને પોતાના વિસ્તારના વિકાસ માટે આવ્યા છે." બીજી તરફ, શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, લોભી સાંસદોએ સાબિત કર્યું છે કે તેમની વફાદારી અને પ્રતિષ્ઠા બજારમાં બેશરમીથી વેચાઈ રહી છે. જ્યારે બળવાખોર સાંસદ સંજય દિના પાટીલે વળતો પ્રહાર કરતા કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને પાયાના મજબૂત લોકો નહીં પણ ગુલામ જોઈએ છે, તેથી તેમણે પક્ષ છોડ્યો છે. તમામ પક્ષોની નજર હવે સ્પીકરના અંતિમ નિર્ણય પર મંડાયેલી છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
