<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

શિક્ષણ જગતમાં ખળભળાટ: CBSE ની ૩-ભાષા નીતિ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, આદેશ ન માનનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા પર લગાવી રોક

અચાનક થોપાયેલી નીતિથી મધ્ય સત્રમાં વિદ્યાર્થીઓ પર વધ્યો શૈક્ષણિક બોજ; ૨૨માંથી માત્ર ૩ ભાષાના પુસ્તકો જ ઉપલબ્ધ, "શિક્ષકો નહીં ભણાવે તો બરતરફી પર સ્ટે આપીશું" - સીજેઆઈ સૂર્યકાંતનો કડક આદેશ; ૨૨ જુલાઈએ વધુ સુનાવણી

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે અચાનક અમલમાં મૂકવામાં આવેલી 'ત્રણ ભાષા નીતિ' (Three-Language Policy) મામલે દેશની સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરીને શિક્ષકોને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કર્યું છે કે જો બોર્ડના આ નવા પરિપત્રનો તત્કાલ અમલ ન કરી શકનારા શિક્ષકો સામે શાળાઓ કે બોર્ડ દ્વારા કોઈ શિસ્તભંગ અથવા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, તો કોર્ટ તેમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરશે.
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે આકરી ટિપ્પણી કરતાં કહ્યું, "અમારી પાસે આવો, અમે તે બરતરફી (નોકરીમાંથી હાંકી કાઢવા) પર સ્ટે લગાવી દઈશું." અદાલતે આ અંગે CBSE અને કેન્દ્ર સરકાર પાસે તાકીદે જવાબ માંગ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
CBSE એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP) અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCF) ને આધારે ગત ૧૫ મેના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર અનુસાર, જુલાઈ ૨૦૨૬ ના નવા શૈક્ષણિક સત્રથી ધોરણ ૬ થી ૯ ના તમામ વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી અનિવાર્ય છે.
દેશભરના વિવિધ શહેરોના વાલીઓ અને શિક્ષકોએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમની મુખ્ય દલીલ છે કે સત્રની અધવચ્ચે જ આવી નીતિ લાદવાથી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પર અસહ્ય માનસિક અને શૈક્ષણિક બોજ વધી જશે.
પુસ્તકો નથી, શિક્ષકો નથી: વરિષ્ઠ વકીલોની દલીલો
સુનાવણી દરમિયાન અરજદારો વતી હાજર રહેલા દેશના અગ્રણી વકીલોએ વ્યવહારિક મુશ્કેલીઓનો ચિતાર રજૂ કર્યો હતો:
•    પુસ્તકોની અછત: વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને જણાવ્યું કે સરકારે ૧લી જુલાઈ સુધીમાં બધા પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ બંધારણની ૨૨ સત્તાવાર ભાષાઓમાંથી અત્યારે માત્ર ૩ ભાષાઓના જ પુસ્તકો ઉપલબ્ધ છે.
•    શિક્ષકોની અછત: વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી કે, "જો કોઈ ૧૪ વર્ષનો ધોરણ ૯ નો વિદ્યાર્થી અત્યાર સુધી અંગ્રેજી અને ફ્રેન્ચ ભણતો હોય અને અચાનક તેને તમિલ ભણવાનું કહેવામાં આવે, તો તે કેવી રીતે ભણશે? આ નવી ભાષાઓ શીખવવા માટે પૂરતા પ્રશિક્ષિત શિક્ષકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ઉપલબ્ધ નથી."
•    કાયદાનું ઉલ્લંઘન: સિનિયર એડવોકેટ આનંદ ગ્રોવરે રજૂઆત કરી કે આ પરિપત્ર સીધો 'શિક્ષણ અધિકાર કાયદા' (RTE Act) ની જોગવાઈઓ વિરુદ્ધ છે અને કોઈ વિકલ્પ આપ્યા વગર ભાષાઓ લાદવામાં આવી રહી છે.
ભાષાના ગૌરવ અને બંધારણીય ધ્યેય પર કોર્ટનું અવલોકન
સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ ભારતીય મૂળની ભાષાઓ શીખવાના બંધારણીય મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે સ્વદેશી ભાષાઓ અને હિન્દી શીખવવી એ બંધારણીય ધ્યેયનો એક ભાગ છે. તેમણે સવાલ પણ કર્યો કે શું આપણે અંગ્રેજીને પણ ભારતીય ભાષા તરીકે સ્વીકારી શકીએ? તેમણે ભૂતકાળ યાદ અપાવતા કહ્યું કે એક સમયે આ અદાલતમાં ફારસી (પારસી) ભાષા વપરાતી હતી, પરંતુ શું તે ૮મી અનુસૂચિમાં છે?
હાલમાં સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણીઓ બાદ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ બે અઠવાડિયામાં વિગતવાર જવાબ રજૂ કરવાની ખાતરી આપી છે. જોકે, કેસની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે આ મામલાની આગામી સુનાવણી માત્ર ૧૦ દિવસ બાદ એટલે કે ૨૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ નિયત કરી છે. ત્યાં સુધી કોઈપણ શિક્ષક કે શાળા સામે કાર્યવાહી કરવા પર પરોક્ષ પ્રતિબંધ રહેશે.

(5:12 PM IST)