<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

એસઆઇઆર સામે બેંગલુરુમાં ઉકળાટ: પ્રકાશ રાજ સહિત સો જેટલા કાર્યકરો અટકાયતમાં, ‘કર્ણાટક નહીં ઊંઘે’ કહી અદાલતી લડતનો સંકલ્પ જાહેર કર્યો

અભિનેતા કિશોર સહિત અનેક નાગરિક કાર્યકરો પણ દેખાવમાં જોડાયા

બેંગલુરુ: કર્ણાટકમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે એસઆઇઆર સામે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે વિવિધ નાગરિક સંગઠનોએ યોજેલી ‘ચૂંટણી પંચ ચલો’ કૂચમાં અભિનેતા અને સામાજિક કાર્યકર પ્રકાશ રાજ સહિત આશરે સો જેટલા દેખાવકારોને પોલીસે અટકાયતમાં લીધા હતા. અભિનેતા કિશોર સહિત અનેક નાગરિક કાર્યકરો પણ દેખાવમાં જોડાયા હતા.પ્રકાશ રાજે એસઆઇઆર પ્રક્રિયા સામે ગંભીર વાંધો ઉઠાવી કહ્યું કે મતદાર યાદીમાંથી યોગ્ય નાગરિકોનું નામ દૂર ન થાય તેની ખાતરી જરૂરી છે. તેમણે જણાવ્યું કે એસઆઇઆર રદ નહીં થાય ત્યાં સુધી કર્ણાટક ઊંઘશે નહીં અને જરૂર પડ્યે અદાલતમાં જઈ દરેક નાગરિકના અધિકાર માટે લડત આપવામાં આવશે.

સંગઠનોનો આક્ષેપ છે કે ગેરહાજર, સ્થળાંતરિત, મૃત અને એકથી વધુ જગ્યાએ નામ ધરાવતા મતદારોની શ્રેણીઓ હેઠળ મોટી સંખ્યામાં નામો ચિહ્નિત કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર મુજબ દાવા અને વાંધા રજૂ કરવાની પ્રક્રિયા ખુલ્લી છે.

(11:20 PM IST)